
અમરેલી, 03 મે (હિ.સ.) : અમરેલી જિલ્લાના ગાવડકા રોડ ઉપર આજે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં કાર અને એસટી બસ વચ્ચે જોરદાર અથડામણ થતાં કારચાલકનું સ્થળ પર જ કરુણ મોત નિપજ્યું હતું. અકસ્માત એટલો ગંભીર હતો કે કારનો આગળનો ભાગ સંપૂર્ણપણે ચકનાચૂર થઈ ગયો હતો અને કારમાં બેઠેલા વ્યક્તિનો મૃતદેહ અંદર જ ફસાઈ ગયો હતો.
અકસ્મતાની જાણ થતા જ ફાયર વિભાગ અને પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર ફાઈટરોએ ભારે મહેનત બાદ કટર મશીનની મદદથી કારના ભાગો કાપીને અંદર ફસાયેલા મૃતદેહને બહાર કાઢ્યો હતો. આ કામગીરી દરમિયાન મોટી સંખ્યામાં લોકો ઘટના સ્થળે એકત્રિત થયા હતા.
પોલીસ દ્વારા મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે અને અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પ્રાથમિક માહિતી અનુસાર, તેજ ગતિ અને બેદરકારીપૂર્વક વાહન હંકારવાના કારણે આ દુર્ઘટના સર્જાઈ હોવાનું માનવામાં આવે છે.
આ બનાવને લઈને સ્થાનિકોમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે, જ્યારે ટ્રાફિક વ્યવસ્થા થોડા સમય માટે ખોરવાઈ હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai