
પાટણ, 04 મે (હિ.સ.) : પાટણ જિલ્લામાં એલ.સી.બી. પોલીસે આંતર જિલ્લા મોટરસાયકલ ચોરી કરતી ગેંગનો પર્દાફાશ કર્યો છે. પોલીસ મહાનિરીક્ષક અને જિલ્લા પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ હાથ ધરાયેલા વિશેષ અભિયાન દરમિયાન ગુપ્ત માહિતીના આધારે બે શંકાસ્પદ ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા હતા. તેમની પૂછપરછમાં તેઓ ચોરીના ગુનાઓમાં સંડોવાયેલા હોવાનું બહાર આવ્યું.
પકડાયેલા આરોપીઓમાં રાણીસર, તા. સાંતલપુરના અબ્દુલ મુરાદ સિંધિ અને વાઘેલિયર, તા. સાંતલપુરના કરીમ સુમાર સિંધિનો સમાવેશ થાય છે. પોલીસે તેમની પાસેથી કુલ રૂ. 1,45,000 કિંમતની ત્રણ ચોરાયેલી મોટરસાયકલો જપ્ત કરી છે.
તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આરોપીઓએ મહેસાણા અને કચ્છ જિલ્લામાંથી અલગ-અલગ સમયે બાઈક ચોરી કરી હતી. આ અંગે સંબંધિત પોલીસ સ્ટેશનોમાં ગુનાઓ નોંધાયેલા છે અને હાલ આરોપીઓ સામે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ