ભાવનગર આરટીઓની કડક કાર્યવાહી: ચાર મહિનામાં રૂ.31.91 લાખનો દંડ વસૂલાયો
ભાવનગર, 03 મે (હિ.સ.) : ભાવનગર પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી (આર.ટી.ઓ.) દ્વારા ટ્રાફિક નિયમોના પાલન અને માર્ગ સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે જાન્યુઆરી થી એપ્રિલ ૨૦૨૬ દરમિયાન ખાસ ચેકિંગ ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી. આ અભિયાન દરમિયાન વિવિધ પ્રકારના ટ્રાફિક
ભાવનગર


ભાવનગર, 03 મે (હિ.સ.) : ભાવનગર પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી (આર.ટી.ઓ.) દ્વારા ટ્રાફિક નિયમોના પાલન અને માર્ગ સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે જાન્યુઆરી થી એપ્રિલ ૨૦૨૬ દરમિયાન ખાસ ચેકિંગ ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી. આ અભિયાન દરમિયાન વિવિધ પ્રકારના ટ્રાફિક ભંગના કેસોમાં કુલ રૂ.૩૧,૯૧,૫૦૦નો દંડ વસૂલવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

આ ખાસ ઝુંબેશ હેઠળ અનઅધિકૃત એલ.ઈ.ડી. લાઇટ લગાવીને ચાલતા વાહનો સામે સૌથી વધુ કાર્યવાહી કરવામાં આવી હતી. કુલ ૧૩૯૮ કેસોમાં રૂ.૧૪,૩૧,૫૦૦નો દંડ ફટકારવામાં આવ્યો હતો. ઉપરાંત HSRP નંબર પ્લેટ વગર ચાલતા ૬૨૧ વાહનો સામે કાર્યવાહી કરીને રૂ.૫,૧૬,૦૦૦ વસૂલાયા હતા.

ટ્રાફિક નિયમોનો ભંગ કરતા રોંગ સાઇડ અથવા ભયજનક રીતે વાહન ચલાવવાના ૧૮૦ કેસોમાં રૂ.૩,૨૮,૦૦૦નો દંડ ફટકારાયો હતો. સાથે જ વાહનની ક્ષમતા કરતાં વધુ મુસાફરો બેસાડવાના ૧૪૮ કેસોમાં રૂ.૯,૦૭,૦૦૦નો દંડ વસૂલાયો હતો. નો-પાર્કિંગ ઝોનમાં વાહન ઉભું રાખવાના ૧૮ કેસોમાં રૂ.૯,૦૦૦ની કાર્યવાહી કરવામાં આવી હતી.

આ ઝુંબેશનો મુખ્ય હેતુ નાગરિકોમાં ટ્રાફિક અંગે જાગૃતિ લાવવાનો અને અકસ્માતો ઘટાડવાનો હતો. ગુજરાત સ્થાપના દિનના અવસરે આર.ટી.ઓ. દ્વારા નાગરિકોને સ્વૈચ્છિક રીતે ટ્રાફિક નિયમોનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.

આગામી દિવસોમાં પણ માર્ગ સુરક્ષા માટે આવી કાર્યવાહી સતત ચાલુ રાખવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી છે. સાથે જ નાગરિકોને વિનંતી કરવામાં આવી છે કે વાહન ચલાવતા સમયે જરૂરી દસ્તાવેજો સાથે રાખે અને ટ્રાફિક નિયમોનું કડક પાલન કરીને જવાબદાર નાગરિક બનવાનું ઉદાહરણ પૂરું પાડે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT


 rajesh pande