
ભાવનગર 3 મે (હિ.સ.) પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ હેઠળના મહુવા રેલવે સ્ટેશન પર રેલવે કર્મચારીઓની સતર્કતા, ઈમાનદારી અને ફરજ પ્રત્યેની નિષ્ઠાનું એક ઉત્તમ ઉદાહરણ સામે આવ્યું છે, જેમાં એક મુસાફરની ખોવાયેલ નગદ રકમ સુરક્ષિત રીતે તેના પરિવારજનોને પરત આપવામાં આવી છે.
વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક શ્રી અતુલ કુમાર ત્રિપાઠીએ જણાવ્યું કે તા. 25 એપ્રિલ 2026ના રોજ બાંદ્રા–મહુવા એક્સપ્રેસના A-1 કોચમાં મુસાફરી કરી રહેલા એક મુસાફરને રૂમાલમાં બાંધેલી નગદ રકમ મળી આવી હતી. સંબંધિત મુસાફરે પોતાની ઈમાનદારી દર્શાવી તે રકમ મહુવા સ્ટેશન સુપરિન્ટેન્ડન્ટ કચેરીમાં જમા કરાવી અને જાણ કરી કે આ રકમ શક્યતઃ સીટ નંબર 29 પર મુસાફરી કરનાર મુસાફરની હોઈ શકે છે, જે સાવરકુંડલા સ્ટેશન પર ઉતરી ગયા હશે.
સ્ટેશન પ્રશાસને લગભગ બે કલાક સુધી સંબંધિત મુસાફરની રાહ જોઈ, પરંતુ કોઈ દાવો કરવા માટે હાજર ન થયું. ત્યારબાદ સ્ટેશન સુપરિન્ટેન્ડન્ટ દ્વારા બુકિંગ અને ચેકિંગ સ્ટાફના સહયોગથી સંબંધિત ટ્રેનમાં સીટ નંબર 29 પર મુસાફરી કરનાર મુસાફરની PNR અને મોબાઇલ નંબર મેળવી સંપર્ક સાધવામાં આવ્યો. સંપર્ક કરતા મુસાફર પરેશ મેઘાણી, જેમણે બોરીવલીથી લિલિયા મોટા સુધી મુસાફરી કરી હતી, તેમણે ખાતરી આપી કે તેમની આશરે ₹3500ની રકમ રૂમાલમાં બાંધેલી ટ્રેનમાં જ રહી ગઈ હતી. તેમણે પોતાની ઉંમર લગભગ 80 વર્ષ હોવાનું જણાવી આરોગ્ય કારણોસર જાતે હાજર રહેવામાં અસમર્થતા દર્શાવી અને રકમ તેમના પરિવારજનોને સોંપવા વિનંતી કરી.
તા. 02 મે 2026ના રોજ મુસાફરના પરિવારજન શ્રી અશ્વિનભાઈ પડારિયા મહુવા સ્ટેશન પર હાજર રહ્યા. જરૂરી ઓળખ પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ ₹3518ની રકમ તેમને સોંપવામાં આવી. મુસાફર અને તેમના પરિવારજનો દ્વારા મહુવા રેલવે સ્ટેશનના કર્મચારીઓ તથા ભારતીય રેલવે પ્રત્યે હાર્દિક આભાર વ્યક્ત કરવામાં આવ્યો.
મંડળ રેલ મેનેજર દિનેશ વર્માએ આ સરાહનીય કાર્યની પ્રશંસા કરતા જણાવ્યું કે ભાવનગર મંડળ પોતાના કર્મચારીઓની ઈમાનદારી અને ફરજ નિષ્ઠા પર ગર્વ અનુભવે છે અને મુસાફરોને સુરક્ષિત, વિશ્વસનીય અને વિશ્વાસપાત્ર સેવાઓ પ્રદાન કરવા સતત પ્રતિબદ્ધ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ