
દમણ , 03 મે (હિ.સ.) : મોટી દમણના રામ સેતુ પાસે બપોરના સમયે એક વિચિત્ર અને ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં એક યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર, વારલીવાડ તરફથી આવતો એક યુવક પોતાની કાળા રંગની બજાજ પલ્સર બાઈક (GJ 15 BJ 8921) લઈને પસાર થઈ રહ્યો હતો, ત્યારે અચાનક આવેલા તેજ પવનના ઝોકાથી બાઈક પરનો કાબૂ ગુમાવી દીધો હતો. બાઈક હવામાં ઉછળીને બે વાર પલટી ખાઈ ફૂટપાથ પર આવેલા સ્ટ્રીટ લાઈટના થાંભલા સાથે જોરદાર અથડાઈ હતી. આ અથડામણ એટલી જોરદાર હતી કે લોખંડનો થાંભલો પણ જમીન પર પડી ગયો હતો.
અકસ્માત માં બાઈકનો આગળનો ભાગ સંપૂર્ણપણે નુકસાન પામ્યો હતો અને યુવકને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતાં જ આસપાસના સ્થાનિક લોકો અને સહેલાણીઓ તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા.
પોલીસ ઘટના સ્થળે પહોંચી ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર માટે મોટી દમણની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યો હતો। અકસ્માતને કારણે રામ સેતુ રોડ પર લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha