
જામનગર, 03 મે (હિ.સ.) : જિલ્લા તિજોરી કચેરી જામનગર તથા તેના તાબાની પેટા તિજોરી કચેરીઓમાંથી IRLA સ્કીમ હેઠળ (બેન્ક મારફત) ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારનું પેન્શન મેળવતા તમામ પેન્શનરો માટે હયાતીની ખરાઈ કરાવવા અંગેની જાહેરાત કરવામાં આવી છે.
જિલ્લા તિજોરી અધિકારી ડી.એચ. ઘેલાણીની યાદીમાં જણાવ્યા અનુસાર, પેન્શનરોએ આગામી તા. ૦૧/૦૫/૨૦૨૬ થી તા. ૩૧/૦૭/૨૦૨૬ સુધીના સમયગાળા દરમિયાન ફરજિયાતપણે પોતાની હયાતીની ખરાઈ કરાવવાની રહેશે.
પેન્શનરોની સુવિધા માટે તંત્ર દ્વારા મુખ્ય ત્રણ વિકલ્પો આપવામાં આવ્યા છે, જેમાંથી કોઈ પણ એક માધ્યમ દ્વારા ખરાઈ કરાવી શકાશે. પ્રથમ વિકલ્પ મુજબ પેન્શનર જે-તે બેન્ક બ્રાન્ચ ખાતે રૂબરૂ જઈ હયાતી ફોર્મમાં સહી કરી શકે છે.
બીજા વિકલ્પ તરીકે ઓનલાઈન માધ્યમથી jeevanpramaan.gov.in વેબસાઈટ પર જઈ આધાર બેઇઝ ખરાઈ કરાવી શકાશે.
જ્યારે ત્રીજા વિકલ્પમાં પેન્શનરો નજીકની પોસ્ટ ઓફિસનો સંપર્ક કરી ઈન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેન્કના પ્રતિનિધિ મારફત ઘર બેઠા જ પોતાની ખરાઈ કરાવી શકશે. ઉલ્લેખનીય છે કે, ઘર બેઠા ખરાઈ કરાવવાની આ સેવા રાજ્ય સરકારના પેન્શનરો માટે નિઃશુલ્ક રાખવામાં આવી છે.
વધુમાં, પેન્શનરો પોતાની પેન્શન આવકના પ્રમાણપત્રો જે-તે બેન્ક મારફત મેળવી શકશે અથવા તો સાયબર ટ્રેઝરીની સત્તાવાર વેબસાઈટ https://cybertreasury.gujarat.gov.in પરથી ઓનલાઈન ડાઉનલોડ કરી શકશે. પેન્શન મેળવવામાં કોઈ અવરોધ ન આવે તે હેતુથી તમામ પેન્શનરોને નિયત સમયમર્યાદામાં આ પ્રક્રિયા પૂર્ણ કરી લેવા જિલ્લા તિજોરી અધિકારી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt