
ભાવનગર, 03 મે (હિ.સ.) : ભાવનગર મહાનગરપાલિકાના ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ વિભાગ દ્વારા આજરોજ શહેરમાં આગથી સુરક્ષા અંગે જાગૃતિ લાવવા મહત્વપૂર્ણ ફાયર એન્ડ સેફ્ટી ડેમોસ્ટ્રેશન યોજાયું હતું. આ કાર્યક્રમ રામ મંત્ર મંદિર સામે આવેલ એચપી સર્વિસ સેન્ટર (હિંદુસ્તાન પેટ્રોલ પંપ) ખાતે યોજાયો હતો, જેમાં સર્વિસ સેન્ટરના સ્ટાફે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
ડેમોસ્ટ્રેશન દરમિયાન ફાયર વિભાગના અધિકારીઓ દ્વારા આગ લાગ્યાની પરિસ્થિતિમાં કેવી રીતે ઝડપથી અને સલામત રીતે પ્રતિસાદ આપવો તેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. ખાસ કરીને પેટ્રોલ પંપ જેવી સંવેદનશીલ જગ્યાઓ પર આગ લાગવાના જોખમોને ધ્યાનમાં રાખીને જરૂરી સાવચેતીના પગલાં સમજાવવામાં આવ્યા હતા.
સ્ટાફને ફાયર એક્સ્ટિંગ્યુઇશરનો યોગ્ય અને અસરકારક ઉપયોગ કેવી રીતે કરવો તે પ્રેક્ટિકલ રીતે બતાવવામાં આવ્યું હતું. આગના પ્રકાર અનુસાર કયા પ્રકારના એક્સ્ટિંગ્યુઇશરનો ઉપયોગ કરવો અને તેનો ઉપયોગ કરતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ ઇમરજન્સી પરિસ્થિતિમાં લોકોનું સલામત રીતે સ્થળાંતર (ઇવેક્યુએશન), આગની માહિતી તાત્કાલિક ફાયર વિભાગ સુધી પહોંચાડવાની પ્રક્રિયા અને પેનિક ન થાય તે માટેની તકેદારીઓ વિશે પણ સમજાવવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ આગ જેવી આકસ્મિક પરિસ્થિતિમાં જાનહાનિ અને નુકસાન ઘટાડવાનો હતો. ફાયર વિભાગ દ્વારા આવી જાગૃતિ પ્રવૃત્તિઓ સતત કરવામાં આવી રહી છે જેથી નાગરિકોમાં સુરક્ષા અંગે જાગૃતિ વધે અને તેઓ સંકટ સમયે યોગ્ય પગલાં લઈ શકે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT