ગીર સોમનાથ જિલ્લામાં પ્રિ-મોન્સૂન કામગીરી શરુ પુલની નીચે ભરાયેલો કચરો, ડ્રેનેજ લાઈન, કૉઝ વે, વોંકળાની સફાઈ શરુ
ગીર સોમનાથ 3 મે (હિ.સ.) જિલ્લા કલેક્ટર એન.વી.ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ ગીર સોમનાથ જિલ્લામાં પ્રિ-મોન્સૂન કામગીરી શરુ કરી દેવામાં આવી છે. આ કામગીરી અંતર્ગત વિવિધ વિભાગો દ્વારા પુલની નીચે ભરાયેલો કચરો, ડ્રેનેજ લાઈન, કૉઝ વે, વોંકળાની સફાઈ કામગીરી કર
ગીર સોમનાથ જિલ્લામાં પ્રિ-મોન્સૂન કામગીરી શરુ


ગીર સોમનાથ 3 મે (હિ.સ.) જિલ્લા કલેક્ટર એન.વી.ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ ગીર સોમનાથ જિલ્લામાં પ્રિ-મોન્સૂન કામગીરી શરુ કરી દેવામાં આવી છે. આ કામગીરી અંતર્ગત વિવિધ વિભાગો દ્વારા પુલની નીચે ભરાયેલો કચરો, ડ્રેનેજ લાઈન, કૉઝ વે, વોંકળાની સફાઈ કામગીરી કરવામાં આવી રહી છે. જેથી ચોમાસાની ઋતુમાં પાણી ભરાવાની સ્થિતિ ન ઉદ્ભવે.

કલેક્ટરએ પ્રિ-મોન્સૂન કામગીરીની વિગતો આપતા જણાવ્યું હતું કે, આગામી વર્ષાઋતુને ધ્યાનમાં રાખીને વરસાદ દરમિયાન લોકોને તકલીફ ન પડે તે માટે તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે પ્રિ મોન્સૂન કામગીરી ચાલુ કરી છે. કુદરતી વહેંણ અને કાંસમાં કચરો ભરાયેલો હોય તો તેની સફાઈની કામગીરી માર્ગ અને મકાન વિભાગ રાજ્ય અને પંચાયત, ગુજરાત મેરિટાઈમ બોર્ડ, નગરપાલિકા સહિત સંબંધિત વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે.

પુલની નીચે કચરો ભરાયેલો હોય, બોક્સ ડ્રેઈન, કૉઝવેમાં કચરો હોય તો આ તમામ જગ્યાએ સફાઈ ચાલુ કરવામાં આવી છે. નગરપાલિકા વિસ્તારમાં જ્યાં ડ્રેનેજ નેટવર્ક આવેલું છે. ત્યાં હૉલ્સમાં કચરો જામી જવાના કારણે પાણીનો નિકાલ થઈ શકતો નથી. આ તમામ હૉલ્સની સફાઈ પણ થઈ રહી છે. તેમ તેમણે ઉમેર્યું હતું.

પવિત્ર યાત્રાધામ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ આવેલું હોવાથી ડ્રેનેજના કોઈ પ્રશ્ન ન ઉદભવે તે માટે બહારથી પણ ડ્રેનેજ મશીન્સ લાવીને કામગીરી પણ કરાવવામાં આવી રહી છે. નેશનલ હાઈવે દ્વારા પણ પ્રિ-મોન્સૂન કામગીરી અંતર્ગત સફાઈ કરવામાં આવી રહી છે. આમ અલગ અલગ વિભાગ દ્વારા સફાઈની કામગીરી કરવામાં આવી રહી છે.

પી.જી.વી.સી.એલ વિભાગ દ્વારા લાઈનોમાં અડચણ ઉભી ન થાય, વૃક્ષો લાઈનોમાં અડચણરુપ ન થાય તે માટે ટ્રિમિંગની કામગીરી કરવામાં આવી રહી છે. નગરપાલિકા વિસ્તારમાં જે પાણી ભરાવાના પ્રશ્નો ઉદ્ભવે છે તો તેમના નિરાકરણ માટે પણ કામગીરી શરુ કરવામાં આવી છે.

કોઈપણ આપત્તિની વેળાએ આરોગ્ય સેવાઓ પરત્વે મુશ્કેલી ઉભી ન થાય તે માટે આરોગ્ય વિભાગ પાસે પર્યાપ્ત દવાઓનો જથ્થો ઉપલબ્ધ છે. વર્ષાઋતુ દરમિયાન પાણી દૂષિત થતું હોય રોગચાળાની શક્યતાને અનુલક્ષીને ક્લોરિનેશન માટે ૧૪ લાખ જેટલી ક્લોરિનેશનની ગોળીઓ ઉપલબ્ધ છે. આ રીતે, તંત્ર વર્ષાઋતુમાં કોઈપણ આપત્તિને પહોંચી વળવા માટે સજ્જ છે.

ઉલ્લેખનીય છે કે, તાલાળા નગરપાલિકા દ્વારા નરસિંહ ટેકરી વિસ્તારમાં ગટર સફાઈ કામગીરી, માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય) દ્વારા તાલાળા-જામવાળા રોડ, સૂત્રાપાડા-ધામળેજ રોડ પર મેજર/માઈનોર બ્રિજની સફાઈ, સૂત્રાપાડા નગરપાલિકા દ્વારા ધનેશ્વર વિસ્તારમાં વોંકળાની સફાઈ કામગીરી, બરડી વિસ્તારમાં ભૂગર્ભ ગટરની હાઉસ ચેમ્બર તેમજ મશીન હૉલની સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande