
સુરત, 03 મે (હિ.સ.) : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ઓલપાડ તાલુકાના જીણોદ ગામની શાળામાં રાત્રિવિશ્રામ કર્યા બાદ ઊઘડતી સવારે શાળાના વિદ્યાર્થીઓ, ગ્રામજનો તેમજ યુવાનો સાથે યોગાભ્યાસ કર્યો હતો.
જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળા ખાતે પરોઢિયે યોજાયેલા યોગ સત્ર દરમિયાન રાજ્યપાલએ શાળાના વિદ્યાર્થીઓ અને ગ્રામજનો સાથે યોગાભ્યાસ અને પ્રાણાયામ કરી તેના આરોગ્યલક્ષી ફાયદાઓ વિશે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, નિયમિત યોગાભ્યાસથી શરીર તંદુરસ્ત રહે છે, મન એકાગ્ર બને છે અને જીવનમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે.
તેમણે જણાવ્યું હતું કે, યોગ એ ભારતની પ્રાચીન વિરાસત છે જેને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વિશ્વવ્યાપી બનાવી છે. વ્યસ્ત જીવનશૈલીમાં યોગ અને પ્રાણાયામ સ્વસ્થ જીવન માટે અત્યંત જરૂરી છે. યોગ દ્વારા શરીર, મન અને આત્મા વચ્ચે સંતુલન સ્થાપિત થાય છે, જેના કારણે માનસિક તણાવ દૂર થાય છે અને અભ્યાસમાં પણ વધુ એકાગ્રતા પ્રાપ્ત થાય છે.
રાજ્યપાલએ કપાલભાતિ, અનુલોમ-વિલોમ, ભસ્ત્રિકા પ્રાણાયામના નિયમિત અભ્યાસથી શ્વસનતંત્ર મજબૂત બનતું હોવાનું જણાવી યોગ અને પ્રાણાયામને જીવનશૈલીનો ભાગ બનાવવા અનુરોધ કર્યો હતો.
સૌએ આધ્યાત્મિક વાતાવરણમાં ગાયત્રી મંત્રના સામૂહિક ગાન કર્યું હતું. રાજ્યપાલએ સુરતની રહેવાસી વિદ્યાર્થિનીઓ જ્હાનવી દુધાત અને ક્રિવા દુધાતની યોગ પ્રસ્તુતિને નિહાળી તેઓને બિરદાવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે