
જામનગર, 03 મે (હિ.સ.) : ભારત સરકાર દ્વારા ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફોર એગ્રીકલ્ચરના ભાગરૂપે Agristack Project અમલી બનાવવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ હેઠળ ગુજરાત રાજ્યના તમામ ખેડૂતોના રજીસ્ટ્રેશન માટે ફાર્મર રજીસ્ટ્રી વર્ષ ૨૦૨૪-૨૫થી અમલમાં મૂકવામાં આવ્યા છે. જે અંતર્ગત દરેક ખેડૂતને આધાર આઈડીની જેમ ૧૧ ડિજિટનો યુનિક ફાર્મર આઈડી આપવામાં આવે છે. ફાર્મર રજીસ્ટ્રીનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્ય તેમજ કેન્દ્ર સરકાર દ્વારા કૃષિ લગત વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ રાજ્યના તમામ ખેડૂતોને સરળતાથી, પારદર્શક રીતે અને સમયસર પૂરો પાડવાનો છે.
સરકાર દ્વારા રાજ્યના તમામ જિલ્લાઓના ખાતેદાર ખેડૂતોને ભારત સરકારશ્રી અને ગુજરાત સરકારશ્રીની વિવિધ સહાયકારી યોજનાઓના લાભ સરળતાથી મેળવવા માટે ફાર્મર રજીસ્ટ્રેશન કરાવવું ખૂબ જ જરૂરી છે. માટે જામનગર જિલ્લાના તમામ ખાતેદારો ખેડૂત ભાઈઓબહેનોને તાત્કાલિક ફાર્મર રજીસ્ટ્રેશન કરાવી લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.
ફાર્મર રજીસ્ટ્રેશન જે-તે ગામના VCE/VLE (ઓપરેટર) અથવા જનસેવા કેન્દ્ર મારફતે કરાવી શકાય છે. તદ્ઉપરાંત ખેડૂત દ્વારા જાતે મોબાઈલ મારફતે gjfr.agristack.gov.in લીંક દ્વારા સરળ સ્ટેપ થકી સેલ્ફ રજીસ્ટ્રેશન પણ કરી શકાય છે.
ફાર્મર રજીસ્ટ્રેશન માટે જરૂરી દસ્તાવેજ, આધાર કાર્ડ, આધારથી લિન્ક મોબાઈલ નંબર અને જમીનની વિગતો સાથે રાખવી/લઈ જવાની રહે છે. વધુ માહિતી અર્થે ગ્રામ્ય કક્ષાએ આપના ગ્રામ સેવક/તલાટી કમ મંત્રીનો સંપર્ક કરવા મદદનીશ ખેતી નિયામક (વિ.) પેટા વિભાગ જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt