
જામનગર, 03 મે (હિ.સ.) : શિક્ષણ વિભાગ દ્વારા સંચાલિત જામનગરની ખ્યાતનામ વિભાજી સરકારી હાઈસ્કૂલ ખાતે શૈક્ષણિક વર્ષ ૨૦૨૬-૨૭ માટે પ્રવેશ પ્રક્રિયાનો ઉત્સાહભેર પ્રારંભ થયો છે. શિક્ષણ વિભાગ દ્વારા આ શાળાને ધોરણ ૯ અને ૧૧માં નવીન અંગ્રેજી માધ્યમ શરૂ કરવાની મંજૂરી મળતા હવે જામનગરના વિદ્યાર્થીઓને સરકારી શાળામાં જ ઉચ્ચ કક્ષાનું અંગ્રેજી શિક્ષણ ઉપલબ્ધ થશે. આ સાથે ધોરણ ૯ થી ૧૨માં ગુજરાતી માધ્યમ માટે પણ પ્રવેશ મેળવી શકાશે.
વિભાજી સરકારી હાઈસ્કૂલ શૈક્ષણિક ક્ષેત્રે સતત પ્રગતિ કરી રહી છે. વર્ષ ૨૦૨૫-૨૬માં શાળાએ ધોરણ ૧૦ના બોર્ડના પરિણામમાં ૧૦૦% સફળતા મેળવી છે, જ્યારે ધોરણ ૧૨નું પરિણામ ૭૮.૯૫% રહ્યું છે. આચાર્ય પી.એન. પાલાના માર્ગદર્શન હેઠળ કાર્યદક્ષ શિક્ષકોની ટીમ દ્વારા અહીં શિક્ષણની સાથે સંસ્કાર અને સહ-અભ્યાસ પ્રવૃત્તિઓ પર વિશેષ ભાર મૂકવામાં આવે છે, જેથી વિદ્યાર્થીઓને ઉત્તમ અને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે છે.
જામનગર શહેરની મધ્યમાં આવેલી આ શાળા આધુનિક સ્માર્ટ ક્લાસ, કોમ્પ્યુટર લેબ, વિજ્ઞાન પ્રયોગશાળા અને લાઈબ્રેરી જેવી તમામ ભૌતિક સુવિધાઓથી સુસજ્જ છે. શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા વિદ્યાર્થીઓ માટે વાહન વ્યવહારની પણ અહીં ઉત્તમ સુલભતા છે.
ઉલ્લેખનીય છે કે, સરકારી શાળા હોવાને કારણે વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારની ફી લીધા વિના સંપૂર્ણપણે વિનામૂલ્યે ગુણવત્તાયુક્ત શિક્ષણ તેમજ પાઠ્યપુસ્તકો પૂરા પાડવામાં આવે છે. પ્રવેશ પ્રક્રિયા 'વહેલા તે પહેલા'ના ધોરણે ચાલુ હોય, ધોરણ ૯ થી ૧૨ ગુજરાતી માધ્યમ તેમજ ધોરણ ૯ અને ૧૧ અંગ્રેજી માધ્યમમાં પ્રવેશ મેળવવા ઈચ્છતા વિદ્યાર્થીઓએ વહેલી તકે શાળાનો સંપર્ક કરી લેવા આચાર્ય દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt