ભચાઉમાં ડીઝલના કાળા કારોબાર પર પોલીસનો ઘાતક પ્રહાર : 51 હજારથી વધુના જથ્થા સાથે આરોપી ઝડપાયો
કચ્છ, 03 મે (હિ.સ.) : પૂર્વ કચ્છ જિલ્લામાં મિલ્કત સબંધી ગુનાઓ અને ગેરકાયદેસર સંગ્રહ સામે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી કડક ઝુંબેશ અંતર્ગત ભચાઉ પોલીસે વધુ એક નોંધપાત્ર સફળતા મેળવી છે. ચોરી કે છળકપટથી મેળવવામાં આવેલ ડીઝલના ગેરકાયદે સંગ્રહ મામલે ભચાઉ
ગેરકાયદેસર ડીઝલનો આરોપી


કચ્છ, 03 મે (હિ.સ.) : પૂર્વ કચ્છ જિલ્લામાં મિલ્કત સબંધી ગુનાઓ અને ગેરકાયદેસર સંગ્રહ સામે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી કડક ઝુંબેશ અંતર્ગત ભચાઉ પોલીસે વધુ એક નોંધપાત્ર સફળતા મેળવી છે. ચોરી કે છળકપટથી મેળવવામાં આવેલ ડીઝલના ગેરકાયદે સંગ્રહ મામલે ભચાઉ પોલીસ સ્ટેશનની ટીમે ઝડપી કાર્યવાહી કરી મેઘપર બોરીચી વિસ્તારના એક શખ્સને કાયદાની ઝપેટમાં લીધો છે. પોલીસે આરોપી પાસેથી હજારો રૂપિયાના ડીઝલનો જથ્થો કબજે કરીને સમગ્ર ડીઝલ કાળા બજારના રેકેટ અંગે વધુ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

આ દરમિયાન ભચાઉ પોલીસને વિશ્વસનીય ખાનગી બાતમી મળી હતી કે ચોરી કે છેતરપીંડીથી મેળવાયેલ ડીઝલનો ગેરકાયદેસર જથ્થો એક શખ્સ દ્વારા સંગ્રહિત કરવામાં આવ્યો છે. બાતમીના આધારે પોલીસે તાત્કાલિક ચોક્કસ સ્થળે દરોડા જેવી કાર્યવાહી હાથ ધરી હતી. તપાસ દરમિયાન મેઘપર બોરીચી, તાલુકા અંજાર ખાતે રહેતો લખવિંદરસિંહ ઉર્ફે લખો અજીતસિંહ જાટ પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો.

પોલીસ તપાસમાં આરોપી પાસેથી અંદાજે ૫૭૦ લિટર ડીઝલ મળી આવ્યું હતું, જેની બજાર કિંમત રૂ. ૫૧,૩૦૦ થી વધુ હોવાનું સામે આવ્યું છે. આ ડીઝલ ચોરી કે છળકપટથી મેળવવામાં આવ્યું હોવાની પ્રાથમિક વિગતો સામે આવતા પોલીસે સમગ્ર જથ્થો કબજે કર્યો હતો. આ મામલે ભચાઉ પોલીસ સ્ટેશનમાં ગુનો નં. ૧૧૯૯૩૦૦૪૨૬૦૩૬૬/૨૦૨૬ હેઠળ બી.એન.એસ. કલમ ૨૮૭, ૫૪ તથા આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ ૧૯૫૫ ની કલમ ૩ અને ૭ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.

ઝડપાયેલા આરોપી લખવિંદરસિંહ ઉર્ફે લખો અજીતસિંહ જાટ (ઉંમર આશરે ૪૦ વર્ષ) ઓધવપાર્ક પ્લોટ નં. ૩૦-૩૧, એરપોર્ટ રોડ, મેઘપર બોરીચી, તાલુકા અંજારનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ હાલમાં તેની સઘન પૂછપરછ કરી રહી છે કે આટલો મોટો ડીઝલનો જથ્થો ક્યાંથી મેળવવામાં આવ્યો, તેમાં અન્ય કોણ-કોણ સંડોવાયેલા છે અને શું આ પાછળ ડીઝલની કાળાબજારીનું મોટું જાળું કાર્યરત છે કે કેમ ?

ભચાઉ પોલીસની આ કાર્યવાહીને કારણે ગેરકાયદેસર ઈંધણ સંગ્રહ અને ચોરીના માલના વેપારમાં સંકળાયેલા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. જિલ્લામાં આવશ્યક ચીજવસ્તુઓના કાળા કારોબાર સામે પોલીસ હવે વધુ આક્રમક બની હોવાનું આ કેસે સાબિત કર્યું છે. આવનારા દિવસોમાં આ કેસમાંથી ડીઝલ ચોરી અને ગેરવેચાણના મોટા રેકેટના વધુ ચોંકાવનારા ખુલાસા થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit R. Padhiyar


 rajesh pande