ભચાઉમાં અપહરણ કેસમાં પોલીસનો મોટો ધડાકો : પાંચ આરોપી ઝડપાયા, ત્રણ વાહનો કબ્જે
કચ્છ, 03 મે (હિ.સ.) : પૂર્વ કચ્છના ભચાઉ તાલુકામાં નોંધાયેલા અપહરણ અને હુમલાના ગંભીર ગુનામાં ભચાઉ પોલીસને મહત્વની સફળતા મળી છે. પોલીસ દ્વારા ચલાવવામાં આવેલા સઘન શોધ અભિયાન દરમિયાન ગુનામાં સંડોવાયેલા પાંચ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે, જ્યારે ગુનામ
ભચાઉ અપહરણ કેસના આરોપી


કચ્છ, 03 મે (હિ.સ.) : પૂર્વ કચ્છના ભચાઉ તાલુકામાં નોંધાયેલા અપહરણ અને હુમલાના ગંભીર ગુનામાં ભચાઉ પોલીસને મહત્વની સફળતા મળી છે. પોલીસ દ્વારા ચલાવવામાં આવેલા સઘન શોધ અભિયાન દરમિયાન ગુનામાં સંડોવાયેલા પાંચ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે, જ્યારે ગુનામાં ઉપયોગમાં લેવાયેલા ત્રણ અલગ-અલગ વાહનો પણ કબ્જે લેવામાં આવ્યા છે. આ કાર્યવાહી બાદ ભચાઉ શહેર તથા આસપાસના વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાને લઈ પોલીસની સતર્ક કામગીરી ચર્ચાનો વિષય બની છે.

પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમાર, બોર્ડર રેન્જ ભુજના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા તેમજ ભચાઉ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંબડાના માર્ગદર્શન હેઠળ શરીર સંબંધિત અને ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી પાડવા માટે વિશેષ સૂચનાઓ આપવામાં આવી હતી. આ સૂચનાઓના અનુસંધાનમાં ભચાઉ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.ડી. ઝાલાના નેતૃત્વ હેઠળ પોલીસ ટીમ સતત પેટ્રોલિંગ અને બાતમીદારોના નેટવર્ક દ્વારા આરોપીઓ સુધી પહોંચવા માટે મથામણ કરી રહી હતી.

આ દરમિયાન ખાનગી બાતમીના આધારે પોલીસને ભચાઉ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુના નં. 11993004260384/2026 હેઠળના આરોપીઓ વાદીનગર વિસ્તારમાં હોવાની ચોક્કસ માહિતી મળી હતી. પોલીસની ટીમે તરત જ ઘેરાબંધી કરી અને સંયુક્ત ઓપરેશન હાથ ધરી પાંચેય આરોપીઓને ઝડપી પાડ્યા હતા. આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ ગંભીર કલમો તેમજ ગુજરાત પોલીસ એક્ટ હેઠળ ગુનો નોંધાયેલો છે.

પોલીસ હાથે ઝડપાયેલા આરોપીઓમાં ખોડાનાથ નાગનાથ વાદી (ઉ.વ. 21), દેવનાથ નાગનાથ વાદી (ઉ.વ. 23), નાગનાથ સાહેબનાથ વાદી (ઉ.વ. 53), બિચ્છાનાથ સાહેબનાથ વાદી (ઉ.વ. 35) અને સચ્ચાનાથ સાહેબનાથ વાદી (ઉ.વ. 42)નો સમાવેશ થાય છે. તમામ આરોપીઓ ભચાઉના વાદીનગર વિસ્તારના રહેવાસી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

ગુનાની વધુ તપાસ દરમિયાન આરોપીઓ પાસેથી ગુનામાં ઉપયોગમાં લેવાયેલા ત્રણ વાહનો પણ કબ્જે લેવાયા છે. જેમાં એક હ્યુન્ડાઈ કંપનીની ક્રેટા કાર, એક મહિન્દ્રા થાર કાર તેમજ એક હિરો એચએફ ડિલક્સ મોટરસાયકલનો સમાવેશ થાય છે. આ વાહનો ગુનાને અંજામ આપવા અને આરોપીઓના અવરજવર માટે ઉપયોગમાં લેવાયા હોવાની પોલીસ શંકા વ્યક્ત કરી રહી છે. હાલ વાહનોને ફોરેન્સિક અને કાનૂની પ્રક્રિયા માટે જપ્ત રાખવામાં આવ્યા છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ અપહરણ સાથે મારામારી, ધમકી, ગેરકાયદેસર બળપ્રયોગ અને ટોળાશાહી જેવા તત્વો પણ આ સમગ્ર ઘટનામાં સામેલ હોવાનું સામે આવી રહ્યું છે. જેના કારણે કેસને ગંભીરતાથી લઈ પોલીસ આરોપીઓની વધુ પૂછપરછ કરી રહી છે. પૂછપરછ દરમિયાન અન્ય કેટલાક નામો પણ બહાર આવે તેવી શક્યતા નકારી શકાય તેમ નથી.

ભચાઉ પોલીસની આ ઝડપી અને અસરકારક કામગીરીને કારણે સ્થાનિકોમાં સુરક્ષાની લાગણી મજબૂત બની છે. છેલ્લા કેટલાક સમયથી ગંભીર ગુનાઓ સામે પૂર્વ કચ્છ પોલીસ દ્વારા અપનાવવામાં આવેલા આક્રમક વલણના પરિણામે આરોપી તત્વોમાં પણ ફફડાટ ફેલાયો છે. પોલીસે જણાવ્યું છે કે કાયદો હાથમાં લેતા કોઈપણ તત્વોને છોડવામાં નહીં આવે અને આવા તમામ ગુનાઓમાં સંડોવાયેલા શખ્સો સામે કડક કાર્યવાહી યથાવત રહેશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit R. Padhiyar


 rajesh pande