સતત બીજી વાર જાપાન સુધી કચ્છનો વિજ્ઞાન વિજય : માધાપર મોડેલ સ્કૂલની નિશા આયર ‘સકુરા સાયન્સ પ્રોગ્રામ-2026’ માટે રાષ્ટ્રીય સ્તરે પસંદ
કચ્છ, 03 મે (હિ.સ.) : કચ્છના શૈક્ષણિક આકાશમાં ફરી એકવાર ગૌરવનો નવો તારો ઝગમગ્યો છે. સરકારી શિક્ષણ સંસ્થાઓ પણ પ્રતિભા, પરિશ્રમ અને માર્ગદર્શનના બળે આંતરરાષ્ટ્રીય મંચ સુધી પહોંચી શકે છે તેનો જીવંત પુરાવો ભુજ નજીક આવેલી સરકારી મોડેલ સ્કૂલ માધાપરે, સતત
જાપાનના કાર્યક્રમમાં માધાપરની વિધાર્થીનીની પસંદગી


જાપાન ના કાર્યક્રમમાં માધાપરની વિધાર્થીની ની પસંદગી


કચ્છ, 03 મે (હિ.સ.) : કચ્છના શૈક્ષણિક આકાશમાં ફરી એકવાર ગૌરવનો નવો તારો ઝગમગ્યો છે. સરકારી શિક્ષણ સંસ્થાઓ પણ પ્રતિભા, પરિશ્રમ અને માર્ગદર્શનના બળે આંતરરાષ્ટ્રીય મંચ સુધી પહોંચી શકે છે તેનો જીવંત પુરાવો ભુજ નજીક આવેલી સરકારી મોડેલ સ્કૂલ માધાપરે, સતત બીજી વખત આપી બતાવ્યો છે. જાપાનની પ્રતિષ્ઠિત વિજ્ઞાન શિક્ષણ સંસ્થા દ્વારા આયોજિત ‘સકુરા સાયન્સ એક્શન પ્રોગ્રામ-2026’ માટે સમગ્ર ભારતમાંથી પસંદ કરાયેલા ગણતરીના વિદ્યાર્થીઓમાં કચ્છની માધાપર મોડેલ સ્કૂલની ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહની વિદ્યાર્થીની નિશા અરજણભાઈ આયરને સ્થાન મળતાં જિલ્લામાં આનંદ અને ગૌરવની લાગણી છવાઈ ગઈ છે.

વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે વિદ્યાર્થીઓમાં નવી વિચારશક્તિ, સંશોધન અભિગમ અને વૈશ્વિક સમજણ વિકસે તે હેતુસર જાપાનમાં દર વર્ષે આ વિશેષ વૈજ્ઞાનિક વિનિમય કાર્યક્રમ યોજાય છે. ભારત સરકારના કેન્દ્રીય શિક્ષણ વિભાગના માર્ગદર્શન હેઠળ દેશભરના હોશિયાર અને પ્રતિભાશાળી વિદ્યાર્થીઓમાંથી પસંદગી કરવામાં આવે છે. ચાલુ વર્ષે સમગ્ર દેશમાંથી માત્ર 56 વિદ્યાર્થીઓને આ પ્રતિષ્ઠિત કાર્યક્રમ માટે પસંદ કરવામાં આવ્યા છે, જેમાં ગુજરાતમાંથી માત્ર ચાર વિદ્યાર્થીઓને જ તક મળી છે. તેમાં કચ્છ જિલ્લામાંથી એકમાત્ર વિદ્યાર્થી તરીકે નિશા આયરનું નામ નોંધાતા આ સિદ્ધિ માત્ર શાળા પૂરતી મર્યાદિત રહી નથી, પરંતુ સમગ્ર જિલ્લાના શિક્ષણ ક્ષેત્ર માટે ગૌરવનો વિષય બની છે.

માધાપર મોડેલ સ્કૂલ માટે આ સિદ્ધિ વિશેષ એટલા માટે પણ છે કે, આ જ શાળાએ વર્ષ 2024માં પણ પોતાની પ્રતિભાનો પરચો આપ્યો હતો. તે વર્ષે શાળાની વિદ્યાર્થીની કોમલ અરવિંદભાઈ ચારણની પસંદગી થઈ હતી અને તેણે જાપાનમાં યોજાયેલા સેમિનારમાં ભાગ લઈને શાળાનું નામ રાષ્ટ્રીય સ્તરે ગુંજાવ્યું હતું. હવે સતત બીજી વખત આ જ શાળાની વિદ્યાર્થીનીને જાપાન માટે પસંદગી મળતા સ્પષ્ટ બન્યું છે કે, અહીં માત્ર અભ્યાસ જ નહીં પરંતુ વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ, પ્રેઝન્ટેશન કૌશલ્ય અને વૈશ્વિક સ્પર્ધા માટેનું સંસ્કારાત્મક ઘડતર પણ સજાગ રીતે કરવામાં આવે છે.

આ પસંદગીના સમાચાર મળતા જ માધાપર ગામથી લઈને સમગ્ર કચ્છના શિક્ષણ વર્તુળમાં ખુશીની લહેર ફરી વળી હતી. શાળા પરિવાર, શિક્ષકો, ગ્રામજનો અને વિદ્યાર્થીઓએ આ ઉપલબ્ધિને શાળાના લાંબા ગાળાના સંકલ્પનું ફળ ગણાવ્યું હતું. જિલ્લા શિક્ષણ અધિકારી સંજયભાઈ પરમારએ પણ આ સિદ્ધિને સરકારી શિક્ષણ વ્યવસ્થાની ગૌરવપૂર્ણ સફળતા ગણાવી હતી. તેમણે વિદ્યાર્થીની નિશા આયરને રૂબરૂ શુભેચ્છા પાઠવી, જાપાન પ્રવાસ માટે પ્રોત્સાહન આપ્યું અને શાળાના આચાર્ય વિજયભાઈ કાલરીયા સહિત સમગ્ર સ્ટાફને અભિનંદન પાઠવ્યા હતા.

શાળાના આચાર્યશ્રીએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, આગામી 24 મે થી 30 મે 2026 દરમિયાન યોજાનાર જાપાન પ્રવાસ દરમિયાન નિશા આયર આંતરરાષ્ટ્રીય સેમિનારમાં ભાગ લેશે. અહીં ‘વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં વિદ્યાર્થીના અનુભવો’ વિષય પર યોજાનારી ચર્ચા, પ્રેઝન્ટેશન અને વૈજ્ઞાનિક સંવાદમાં તે ભારતનું પ્રતિનિધિત્વ કરશે. વિશ્વસ્તરીય શિક્ષણ પદ્ધતિ, આધુનિક સંશોધન પ્રયોગશાળાઓ અને જાપાનના ટેક્નોલોજીકલ માહોલનો સીધો અનુભવ તેને મળશે, જે ભવિષ્યમાં અન્ય વિદ્યાર્થીઓ માટે પણ પ્રેરણાસ્ત્રોત બનશે.

માધાપર મોડેલ સ્કૂલ છેલ્લા કેટલાક વર્ષોથી પરિણામ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ, સહઅભ્યાસ પ્રવૃત્તિઓ, રમતગમત, પર્યાવરણ જાગૃતિ અને શિસ્તબદ્ધ શૈક્ષણિક વાતાવરણ માટે સતત જિલ્લામાં આગવી ઓળખ ઊભી કરી રહી છે. ધોરણ 10 અને 12ના સુધરતા પરિણામો, નીટ જેવી પરીક્ષાઓમાં વિદ્યાર્થીઓની નોંધપાત્ર કામગીરી અને રાજ્ય-રાષ્ટ્રીય સ્તરે વિવિધ ક્ષેત્રે પ્રાપ્ત થતી સિદ્ધિઓ વચ્ચે હવે આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન મંચ સુધીની આ પહોંચ શાળાની સફળતાઓમાં એક વધુ સુવર્ણ પાનાં સમાન બની છે.

ખાસ કરીને સરકારી શાળાના વિદ્યાર્થીઓ માટે આ ઉપલબ્ધિ આશાનું પ્રતિક બની છે. યોગ્ય દિશા, પ્રતિબદ્ધ શિક્ષકવર્ગ અને વિદ્યાર્થીઓની મહેનત હોય તો ગામડાની શાળામાંથી પણ વિશ્વના અગ્રણી દેશ સુધી પહોંચવું શક્ય છે — માધાપર મોડેલ સ્કૂલે આ વાત ફરી સાબિત કરી છે.

નિશા આયરની આ પસંદગીથી માત્ર એક વિદ્યાર્થીનીનો જ નહીં, પરંતુ સમગ્ર કચ્છના શિક્ષણ જગતનો આત્મવિશ્વાસ વધ્યો છે. જાપાનમાં ગુંજાનાર આ અવાજ હવે કચ્છના અનેક વિદ્યાર્થીઓને વિજ્ઞાનના નવા સપના જોવા પ્રેરણા આપશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit R. Padhiyar


 rajesh pande