
કચ્છ, 03 મે (હિ.સ.) : કચ્છના માતાનામઢ નજીક આવેલી પવન ઊર્જા કંપનીના વિસ્તારમાં આજે અચાનક ભભૂકી ઊઠેલી ભયાનક આગે સમગ્ર પંથકમાં ભય અને ચિંતા ફેલાવી દીધી હતી. દક્ષિણ તરફ આવેલી Senvion પવનચક્કી સાઇટની આસપાસ લાગેલી આ આગ થોડા જ સમયમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતા કાળા ધુમાડાના ગોટેગોટા આકાશમાં છવાઈ ગયા હતા. આગમાંથી નીકળતી તીવ્ર દુર્ગંધ અને ધુમાડાના કારણે માતાનામઢ ગામ તેમજ આસપાસના વિસ્તારોમાં અંધારું છવાઈ ગયાની જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી, જેના કારણે લોકો ઘરમાંથી બહાર નીકળતાં પણ ગભરાયા હતા.
સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા અનુસાર, ઘટના બન્યા બાદ કંપની તરફથી તાત્કાલિક ફાયર સેફટીની કોઈ અસરકારક વ્યવસ્થા જોવા મળી નહોતી. આગને કાબૂમાં લેવા માટે પૂરતા સાધનો, પાણીની સુવિધા કે પ્રશિક્ષિત સ્ટાફ સ્થળ પર હાજર ન હોવાનું સામે આવ્યું છે. જેના કારણે ગ્રામજનોમાં કંપની પ્રત્યે ભારે નારાજગી ફાટી નીકળી છે. લોકોનો આક્ષેપ છે કે કરોડો રૂપિયાના પ્રોજેક્ટ ઉભા કરનાર કંપનીઓ ગામની વચ્ચે જોખમ ઉભું કરે છે, પરંતુ સલામતીના પ્રાથમિક ધોરણો જાળવવામાં સંપૂર્ણપણે નિષ્ફળ જાય છે.આગની ઘટનાથી માત્ર કંપની વિસ્તાર જ નહીં પરંતુ આસપાસનું સુકું ઘાસ, ઝાડીઓ અને પશુઓ માટેના ચરાણ વિસ્તારનું નુકસાન થતાં માલધારીઓ ચિંતિત બન્યા છે.
ઘટનાએ એક અન્ય ગંભીર મુદ્દો પણ બહાર લાવ્યો છે. પવનચક્કી કંપની દ્વારા બનાવવામાં આવેલા અંદરના રસ્તાઓ લાંબા સમયથી બિસ્માર હાલતમાં છે. અનેક સ્થળે માટીના ડાબકા, ખાડા અને અવરોધ પાથરી દેવામાં આવતા ખેડૂતો, માલધારીઓ અને સ્થાનિક લોકોને રોજિંદી અવરજવરમાં ભારે તકલીફ પડી રહી છે. આગની ઘટનામાં પણ ખરાબ રસ્તાઓને કારણે ઝડપી પહોંચી રાહત કાર્ય હાથ ધરવું મુશ્કેલ બન્યું હતું. ગ્રામજનોનો આરોપ છે કે કંપનીએ જમીનનો ઉપયોગ તો કર્યો, પરંતુ સ્થાનિક સુવિધાઓ અને સુરક્ષાની જવાબદારીથી હાથ ઝાળી દીધા છે.
ધુમાડાના ગોટેગોટા અને તીવ્ર ગંધના કારણે નાના બાળકો, વૃદ્ધો અને શ્વાસના દર્દીઓ માટે આરોગ્ય સંકટ ઊભું થયું હતું. ઘણા લોકોએ આંખમાં બળતરા અને શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદ કરી હતી. તેમ છતાં સ્થાનિક તંત્ર કે જવાબદાર અધિકારીઓ તરફથી કોઈ સ્પષ્ટ નિવેદન કે તાત્કાલિક કાર્યવાહી ન થતાં લોકોમાં રોષ વધુ ઉગ્ર બન્યો છે.
માતાનામઢ પંથકના રહેવાસીઓ હવે કંપની સામે કડક પગલાં, આગ લાગવાના કારણોની નિષ્પક્ષ તપાસ, ફાયર સેફટીની કાયમી વ્યવસ્થા, બિસ્માર રસ્તાઓનું સમારકામ અને ગૌચર જમીનને થયેલા નુકસાનની ભરપાઈની માંગ ઉઠાવી રહ્યા છે. ગ્રામજનોનો સ્પષ્ટ મત છે કે વિકાસના નામે ઉભા થયેલા ઔદ્યોગિક પ્રોજેક્ટો જો ગ્રામ્ય જીવન, પશુધન અને પર્યાવરણ માટે જ જોખમ બની જાય તો આવી બેદરકારીને વધુ સમય સુધી સહન કરવામાં નહીં આવે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit R. Padhiyar