

કચ્છ, 03 મે (હિ.સ.) : પશ્ચિમ કચ્છના અતિસંવેદનશીલ કોસ્ટલ વિસ્તારમાં ચાલી રહેલી ચોવીસે કલાકની સઘન પેટ્રોલીંગ દરમિયાન સુરક્ષાને લગતો એક ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. જખૌ નજીક પિંગલેશ્વર બીચથી સિંધોડી ગામ તરફના દરિયાકાંઠા વિસ્તારમાં સંયુક્ત પેટ્રોલીંગ કરી રહેલી પોલીસ અને ગુપ્તચર એજન્સીઓની ટીમને દરિયામાં તણાઈ આવેલ બિનવારસુ ડ્રોનના પાંખિયાનો મોટો ડેબ્રિશ મળી આવ્યો હતો. આ ઘટનાએ ફરી એકવાર કચ્છના દરિયાઇ પટ્ટાની વ્યૂહાત્મક મહત્વતા અને સુરક્ષા પડકારોને ઉજાગર કર્યા છે.
સરહદી રેન્જ ભુજના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયાના માર્ગદર્શન હેઠળ, પશ્ચિમ કચ્છના દરિયાકાંઠે સુરક્ષા વધુ મજબૂત બનાવવા ખાસ સુચનાઓ આપવામાં આવી હતી. ખાસ કરીને છેલ્લા કેટલાક સમયથી દરિયામાંથી બિનવારસુ માદક પદાર્થના પેકેટો, શંકાસ્પદ સામગ્રી અથવા વિદેશી તત્વો સાથે સંકળાયેલી વસ્તુઓ તણાઈ આવવાની શક્યતાઓને ધ્યાનમાં રાખીને પશ્ચિમ કચ્છ પોલીસ તંત્ર સંપૂર્ણ એલર્ટ મોડ પર છે. પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંડાના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી., કોસ્ટલ પોલીસ, સ્થાનિક પોલીસ તેમજ વિવિધ ગુપ્તચર એજન્સીઓને સાથે રાખી વિશેષ સંયુક્ત કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.
આ ઓપરેશન અંતર્ગત પશ્ચિમ કચ્છના વિશાળ દરિયાકિનારા પર ઉંટસવાર પેટ્રોલીંગ, ઘોડેસવાર પેટ્રોલીંગ, મોટર સાઇકલ પેટ્રોલીંગ અને ફૂટ પેટ્રોલીંગ જેવી અલગ અલગ રીતોથી દિવસ-રાત ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. પોલીસની આ જ ચુસ્ત કામગીરી દરમિયાન તા. ૨ મે ૨૦૨૬ના રોજ એસ.ઓ.જી., એલ.આઇ.બી. ફિલ્ડ, જખૌ પોલીસ તથા સ્ટેટ આઇ.બી.ના અધિકારીઓની સંયુક્ત ટીમ પિંગલેશ્વરથી સિંધોડી તરફ દરિયાકાંઠે તપાસ કરી રહી હતી. ત્યારે તેમને રેતીમાં પડેલો આશરે દસ ફૂટ લાંબો અને ત્રણ ફૂટ પહોળો ડ્રોનના પાંખિયાનો અવશેષ નજરે ચડ્યો.
પ્રાથમિક રીતે જોતા આ કોઈ સામાન્ય વસ્તુ ન હોવાનું પોલીસને લાગ્યું હતું. અવશેષની રચના, માપ અને મટીરીયલને જોતા તે હવાઈ ગતિવિધિ સાથે જોડાયેલા ડ્રોનનો ભાગ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. બિનવારસુ હાલતમાં મળેલા આ ડેબ્રિશને લઈને પોલીસ તંત્રએ તરત જ ઉચ્ચ અધિકારીઓને જાણ કરી અને સમગ્ર વિસ્તારને સુરક્ષાના દૃષ્ટિકોણથી સંવેદનશીલ જાહેર કરી જરૂરી તપાસ શરૂ કરી દીધી હતી.
મહત્વપૂર્ણ બાબત એ છે કે પશ્ચિમ કચ્છનો દરિયાઇ પટ્ટો આંતરરાષ્ટ્રીય જળસીમા નજીક આવેલ હોવાથી અહીંથી મળતી દરેક શંકાસ્પદ વસ્તુ સુરક્ષા એજન્સીઓ માટે અત્યંત ગંભીર ગણાય છે. ડ્રોનનો આ અવશેષ ક્યાંથી તણાઈ આવ્યો? તે સૈન્ય ઉપયોગનો હતો કે ખાનગી સર્વેલન્સ ડ્રોનનો ભાગ હતો? કે પછી કોઈ વિદેશી ગતિવિધિ સાથે તેનો સંબંધ છે? જેવા અનેક પ્રશ્નો હાલ ચર્ચાના કેન્દ્રમાં છે. જોકે પોલીસે સાવચેતીના ભાગરૂપે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આ અવશેષને ઇન્ડિયન એરફોર્સના અધિકારીઓને હવાલે કરવાની પ્રક્રિયા શરૂ કરી છે જેથી તેની ટેકનિકલ તપાસ દ્વારા હકીકત બહાર આવી શકે.
આ સમગ્ર કામગીરીમાં જખૌ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.જે. ગોહિલ, પોલીસ કોન્સ્ટેબલ લાખીયારજી સોઢા, એસ.ઓ.જી. ભુજના એ.એસ.આઇ. જોરાવરસિંહ જાડેજા, એલ.આઇ.બી. ફિલ્ડના એ.એસ.આઇ. પુનશીભાઈ મહેશ્વરી તથા સ્ટેટ આઇ.બી.ના એ.આઇ.ઓ. બી.બી. સંઘાર સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા. તેમની સતર્કતા અને સતત પેટ્રોલીંગના કારણે આ મહત્વપૂર્ણ ડેબ્રિશ સમયસર મળી આવતા સંભવિત સુરક્ષા જોખમ અંગે તંત્ર વધુ સજાગ બન્યું છે.
કચ્છના દરિયાકાંઠે છેલ્લા કેટલાક મહિનાઓથી શંકાસ્પદ ચીજવસ્તુઓ મળી આવવાની ઘટનાઓ વચ્ચે હવે ડ્રોનના પાંખિયાનો અવશેષ મળવો સામાન્ય ઘટના માનવામાં આવી રહી નથી. આ ઘટનાએ સુરક્ષા એજન્સીઓને વધુ ચુસ્ત બનાવતાં સરહદી વિસ્તારોમાં હાઇ એલર્ટ જેવી સ્થિતિ ઉભી કરી છે. આગામી દિવસોમાં એરફોર્સની તપાસ બાદ આ ડ્રોનનો મૂળ સ્ત્રોત અને તેનો હેતુ શું હતો તે સામે આવે તેવી શક્યતા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit R. Padhiyar