
ભાવનગર, 03 મે (હિ.સ.) : ભાવનગર જિલ્લામાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલ.સી.બી.) દ્વારા જુગાર વિરુદ્ધ કાર્યવાહી અંતર્ગત સિહોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોટો દરોડો પાડવામાં આવ્યો હતો. એલ.સી.બી. પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે બાતમી મળી હતી કે પાલીતાણા તાલુકાના બુઢણા ગામની ખરાબાની નવાણ તરીકે ઓળખાતી ખુલ્લી પડતર જગ્યામાં પતરાના ઢાળીયામાં લાઇટની વ્યવસ્થા કરીને કેટલાક ઇસમો ગંજીપત્તા વડે તીનપત્તીનો હારજીતનો જુગાર રમી રહ્યા છે.
બાતમીના આધારે પોલીસ ટીમે તાત્કાલિક રેઇડ કરતાં સ્થળ પરથી ગંજીપત્તાના પત્તા અને રોકડ રકમ સાથે ૬ ઇસમોને ઝડપી પાડ્યા હતા, જ્યારે અન્ય ૭ ઇસમો પોલીસને જોઈને ફરાર થઈ ગયા હતા. ઝડપાયેલા આરોપીઓમાં મોહીતભાઈ કાંજાની, અજયભાઈ રૂપેજા, પંકજભાઈ પરમાર, યુનુસભાઈ લાખાણી, પ્રકાશભાઈ ખેરાળા અને સત્તારભાઈ મહેતરનો સમાવેશ થાય છે. પોલીસે સ્થળ પરથી ૫૨ ગંજીપત્તાના પાના, રૂ.૨૭,૨૦૦ રોકડ તથા અંદાજે રૂ.૧,૦૦,૦૦૦ કિંમતની ૪ મોટરસાયકલ મળી કુલ રૂ.૧,૨૭,૨૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
આ બનાવ સંદર્ભે સિહોર પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધક કાયદા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ફરાર આરોપીઓ—તુષારભાઈ માળી સહિત કુલ ૭ શખ્સોને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા શોધખોળ તેજ કરવામાં આવી છે.
એલ.સી.બી. દ્વારા આ કાર્યવાહીથી વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક સંદેશો આપવામાં આવ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT