ભાવનગરના બેલમપર ગામે જ્ઞાનનો દીપ પ્રગટ્યો: “શ્રી રાઘવભાઈ ક્વાડ પુસ્તકાલય”નું ભવ્ય લોકાર્પણ
ભાવનગર, 03 મે (હિ.સ.) : ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બેલમપર ગામે ગ્રામ્ય શિક્ષણ અને વિકાસ માટે એક ઐતિહાસિક પહેલ રૂપે “શ્રી રાઘવભાઈ ક્વાડ પુસ્તકાલય”નું લોકાર્પણ ઉર્જા રાજ્યમંત્રી તથા જિલ્લાના પ્રભારી મંત્રી કૌશિકભાઈ વેકરીયા અને કૃષિ મંત્રી જીતુભાઈ
લોકાર્પણ


ભાવનગર, 03 મે (હિ.સ.) : ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બેલમપર ગામે ગ્રામ્ય શિક્ષણ અને વિકાસ માટે એક ઐતિહાસિક પહેલ રૂપે “શ્રી રાઘવભાઈ ક્વાડ પુસ્તકાલય”નું લોકાર્પણ ઉર્જા રાજ્યમંત્રી તથા જિલ્લાના પ્રભારી મંત્રી કૌશિકભાઈ વેકરીયા અને કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીના હસ્તે ભવ્ય રીતે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સાંસદ ભરતભાઈ સુતરીયા અને ધારાસભ્ય શીવાભાઈ ગોહિલ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

પ્રભારી મંત્રી કૌશિકભાઈ વેકરીયાએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે ગ્રામ્ય વિસ્તારોમાં વાંચનની સંસ્કૃતિ મજબૂત બનાવવામાં પુસ્તકાલય મહત્વપૂર્ણ કડી સાબિત થાય છે. તેમણે પુસ્તકાલયના નિર્માતા કલ્પેશભાઈ ક્વાડના પ્રયાસોની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે પોતાના વતન પ્રત્યેની લાગણીથી પ્રેરાઈ તેમણે આ કાર્ય કરી યુવાનો માટે પ્રેરણાસ્ત્રોત ઉભું કર્યું છે. તેમણે બેલમપર ગામના સર્વાંગી વિકાસ માટે રૂ. ૧૦ લાખની ગ્રાન્ટની જાહેરાત પણ કરી હતી.

કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે આજના જ્ઞાનયુગમાં લાઇબ્રેરી સમયની જરૂરિયાત છે અને પુસ્તકો માનવજીવનના સચ્ચા મિત્ર છે. તેમણે રાજ્ય સરકાર દ્વારા શિક્ષણ ક્ષેત્રે કરવામાં આવેલા પ્રયત્નોનો ઉલ્લેખ કરી વિદ્યાર્થીઓને પુસ્તકાલયનો સદુપયોગ કરવા અનુરોધ કર્યો હતો. સાથે જ તેમણે ગામના વિકાસ માટે રૂ. ૫ લાખની ગ્રાન્ટ જાહેર કરી હતી.

ઇન્કમ ટેક્સ વિભાગના નાયબ કમિશનર કલ્પેશભાઈ ક્વાડે જણાવ્યું હતું કે ગામના વિદ્યાર્થીઓને ગુણવત્તાસભર શિક્ષણ અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે આ પુસ્તકાલય સ્થાપવામાં આવ્યું છે. એ.સી. સુવિધાસભર આ પુસ્તકાલયમાં વિવિધ વિષયોનું સમૃદ્ધ સાહિત્ય ઉપલબ્ધ છે.

સવારના 8 થી સાંજના 5 વાગ્યા સુધી ખુલ્લું રહેતું આ પુસ્તકાલય વિદ્યાર્થીઓ અને વાંચનપ્રેમીઓ માટે આશીર્વાદરૂપ બનશે અને “વાંચે ગુજરાત” અભિયાનને વધુ મજબૂતી આપશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT


 rajesh pande