ઓલપાડ ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં યોજાયો પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ: પ્રાકૃતિક કૃષિને વ્યાપક બનાવવા આપ્યું માર્ગદર્શન
સુરત, 03 મે (હિ.સ.): રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ ઓલપાડ તાલુકાના જીણોદ ગામે રાત્રિ રોકાણ કરી સવારે ઓલપાડના પુરુષોત્તમ જીન ફાર્મર્સ કમ્પાઉન્ડ ખાતે આયોજિત પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં હાજરી આપી હતી. અહીં તેમણે પ્રાકૃતિક કૃષિને વ્યાપક બનાવવા માર્ગદર્શન આપ્
રાજ્યપાલ આચાર્ય દેવવ્રત


સેમિનાર


સુરત, 03 મે (હિ.સ.): રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ ઓલપાડ તાલુકાના જીણોદ ગામે રાત્રિ રોકાણ કરી સવારે ઓલપાડના પુરુષોત્તમ જીન ફાર્મર્સ કમ્પાઉન્ડ ખાતે આયોજિત પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં હાજરી આપી હતી. અહીં તેમણે પ્રાકૃતિક કૃષિને વ્યાપક બનાવવા માર્ગદર્શન આપ્યું હતું. આત્મા કચેરીના સહયોગથી પરિસંવાદમાં પ્રાકૃતિક કૃષિ ઉત્પાદન વેચાણના વિવિધ સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા. જેની પણ તેમણે મુલાકાત લઈ પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનો નિહાળ્યા હતા અને ખેડૂતો સાથે સંવાદ કર્યો હતો.

પરિસંવાદમાં રાજ્યપાલએ જણાવ્યું હતું કે, વર્તમાન સમયમાં થઈ રહેલી રાસાયણિક ખેતી એ માત્ર વ્યવસાય નથી રહ્યો, પરંતુ એક મોટો ગુનો અને પાપ બની ગયો છે. આપણા પૂર્વજોએ વારસામાં ફળદ્રુપ જમીન આપી હતી, પરંતુ આપણે રાસાયણિક ખાતરો અને ઝેરી જંતુનાશકોનો આડેધડ ઉપયોગ કરીને ધરતીને પથ્થર જેવી બંજર બનાવી દીધી છે. ઓછા ખર્ચે વધુ ઉત્પાદન અને રોગમુક્ત સમાજ માટે 'બેક ટુ નેચર' એકમાત્ર ઉપાય છે.

રાજ્યપાલએ એક સંશોધનનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, તાજેતરમાં ૧૦૫ માતાઓના દૂધના પરીક્ષણમાં ચોંકાવનારા પરિણામો સામે આવ્યા છે. તમામ માતાઓના દૂધમાં યૂરિયા અને જંતુનાશકોના અંશ જોવા મળ્યા છે. આ ઝેર ખેતરોમાં આપણે નાખેલા રાસાયણિક ખાતરોને કારણે અનાજ અને ફળો દ્વારા માનવ શરીરમાં પ્રવેશી રહ્યું છે, જેના કારણે ૧૦ વર્ષના બાળકો પણ કેન્સર અને ડાયાબિટીસ જેવી જીવલેણ બીમારીઓનો શિકાર બની રહ્યા છે.

પ્રાકૃતિક ખેતીમાં ઉત્પાદન ઘટવાની ભ્રાંતિ દૂર થવી જરૂરી છે એમ સ્પષ્ટપણે જણાવી તેમણે પોતાના અંગત અનુભવો ટાંકતા કહ્યું કે, હું પોતે હરિયાણા, કુરુક્ષેત્રમાં ૨૦૦ એકર જમીનમાં પ્રાકૃતિક ખેતી કરું છું અને એક ટીપું પણ યૂરિયા કે ડીએપી વાપરતો નથી. રાસાયણિક ખેતીમાં પ્રતિ વીઘા ૨૦ થી ૨૫ હજારનો ખર્ચ થાય છે, જ્યારે પ્રાકૃતિક ખેતીમાં આ ખર્ચ નહિવત છે.

ધરતી અને ગાયનું જતન એ જ સાચો ધર્મ છે એમ ભારપૂર્વક જણાવી રાજ્યપાલએ ઉપસ્થિત સૌને આહવાન કર્યું હતું કે, તેઓ પોતાના ગામના અન્ય ખેડૂતોને પણ આ અભિયાનમાં જોડે. તેમણે દેશી ગાયના મહત્વ પર ભાર મૂકતા કહ્યું કે, ગાય આધારિત પ્રાકૃતિક ખેતી એ ધરતીના જળસ્તર સુધારવા, પશુ-પક્ષીઓને બચાવવા અને આવનારી પેઢીને સ્વસ્થ જીવન આપવાનો એકમાત્ર માર્ગ છે.

ખેડૂતોને તબક્કાવાર રીતે ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ અપનાવવા માટે અનુરોધ કરતા તેમણે જણાવ્યું કે, પોતાના પરિવાર માટે જમીનના એકાદ ભાગમાં પ્રાકૃતિક કૃષિ શરૂ કરો અને તબક્કાવાર તેમાં વધારો કરતો જવો જોઈએ. સારૂ પરિણામ મળશે, જેનાથી ખેડૂતોનો પ્રાકૃતિક કૃષિ પર ભરોસો વધશે.

આ પ્રસંગે સાંસદ મુકેશભાઈ દલાલ, ધારાસભ્ય મુકેશભાઈ પટેલ, પ્રયોજના વહીવટદાર સુનિલ, જિલ્લા ખેતીવાડી અધિકારી સતીષ ગામીત, સુરત આત્મા ડાયરેક્ટર હિરલ પટેલ, નાયબ ખેતી નિયામક વી.વાય. સોલંકી, જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ, અગ્રણી ખેડૂતો મનહરભાઈ પટેલ, અંકુરભાઈ પટેલ અને ગ્રામજનો જોડાયા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande