
ભાવનગર, 03 મે (હિ.સ.)ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં નવ યુગ ક્રાંતિ ફાઉન્ડેશન દ્વારા દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ રાહતદરે ચોપડા વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ સર્વ જ્ઞાતિના વિદ્યાર્થીઓને સસ્તા દરે શૈક્ષણિક સામગ્રી ઉપલબ્ધ કરાવી તેમના અભ્યાસને પ્રોત્સાહન આપવાનો રહ્યો હતો.
કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા અને ચોપડા તથા અન્ય શૈક્ષણિક સામગ્રીનો લાભ લીધો હતો. વધતી જતી મોંઘવારી વચ્ચે આ પ્રકારની પહેલથી મધ્યમ અને ગરીબ વર્ગના પરિવારોને મોટી રાહત મળી રહી છે, જેના કારણે વિદ્યાર્થીઓને અભ્યાસ માટે જરૂરી સામગ્રી સરળતાથી પ્રાપ્ત થાય છે.
નવ યુગ ક્રાંતિ ફાઉન્ડેશન છેલ્લા ઘણા વર્ષોથી સમાજસેવાના વિવિધ ક્ષેત્રોમાં કાર્યરત રહી છે અને શિક્ષણ ક્ષેત્રે આવી પહેલો દ્વારા સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવાનો પ્રયાસ કરી રહી છે. સંસ્થાના ટ્રસ્ટી રોહિતભાઈ કણબી, સહમંત્રી ઋષીભાઈ સરવૈયા, ટ્રસ્ટી સંજયભાઈ રાઠોડ સહિતના આગેવાનોની આગેવાનીમાં કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયો હતો.
આ પ્રસંગે યુવા કાર્યકરો વિશાલભાઈ મકવાણા, મિલનભાઈ મકવાણા, રાહુલભાઈ કટુડીયા અને કમલેશભાઈ રાઠોડ સહિતના સેવાભાવી કાર્યકરોએ આયોજનને સફળ બનાવવા મહેનત ઉઠાવી હતી.
આવો કાર્યક્રમ વિદ્યાર્થીઓમાં શિક્ષણ પ્રત્યે પ્રેરણા જગાડે છે અને સમાજમાં સહકાર તથા સેવા ભાવનાને વધુ મજબૂત બનાવે છે. સંસ્થાએ આગામી સમયમાં પણ આવા લોકહિતકારી કાર્યક્રમો ચાલુ રાખવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT