
પાટણ, 03 મે (હિ.સ.)પાટણના વૈજ્ઞાનિકો દ્વારા વિકસાવવામાં આવેલ સંશોધનને રાષ્ટ્રીય સ્તરે મહત્વપૂર્ણ માન્યતા મળી છે. A System and Method for Botanical Data Collection Using Distributed Sensor Network Integration Modules શીર્ષક હેઠળ આ પેટન્ટ 01 મે 2026ના પેટન્ટ જર્નલમાં સત્તાવાર રીતે પ્રકાશિત થઈ છે.
આ સંશોધન શેઠ એમ.એન. સાયન્સ કોલેજના ડૉ. મેહુલકુમાર મકવાણા, ડૉ. નરેન્દ્રકુમાર પટેલ અને ડૉ. ચિંતનકુમાર બારોટ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું છે. તેમણે વનસ્પતિ વિજ્ઞાન અને આધુનિક ટેક્નોલોજીને જોડીને નવીન સિસ્ટમ વિકસાવી છે.
આ સિસ્ટમનો મુખ્ય હેતુ વનસ્પતિ અને પર્યાવરણ સંબંધિત પરિમાણોનું રિયલ-ટાઈમ મોનિટરિંગ કરવો છે. તે છોડમાં પાણીની અછત, તાપમાન ફેરફાર, પોષક તત્વોની અછત અને પ્રદૂષણ જેવી પરિસ્થિતિઓને સમયસર ઓળખવામાં મદદરૂપ બને છે.
સિસ્ટમમાં વિતરિત સેન્સર નેટવર્કનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે માટીની ભેજ, તાપમાન, હવાની ભેજ, પ્રકાશ, pH અને ગેસ સ્તર જેવા પરિમાણો માપે છે. આ ડેટા વાયરલેસ માધ્યમથી કેન્દ્રિય સિસ્ટમ સુધી પહોંચે છે.
કેન્દ્રિય સિસ્ટમમાં મશીન લર્નિંગ દ્વારા ડેટાનું વિશ્લેષણ કરીને આગાહી અને ચેતવણીઓ આપવામાં આવે છે. આ આવિષ્કાર કૃષિ અને પર્યાવરણ ક્ષેત્રે ટકાઉ વિકાસ માટે મહત્વપૂર્ણ સાબિત થઈ રહ્યો છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ