
ભાવનગર, 03 મે (હિ.સ.) : ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બેલમપર ગામે ગ્રામ્ય વિસ્તારમાં ગુણવત્તાસભર શિક્ષણ સુવિધાઓ વધારવા રાજ્ય સરકાર દ્વારા મહત્વપૂર્ણ પહેલ હાથ ધરવામાં આવી છે. ઉર્જા રાજ્યમંત્રી તથા જિલ્લાના પ્રભારી મંત્રી કૌશિકભાઈ વેકરીયા અને કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીના વરદ હસ્તે સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાના નિર્માણ માટે ભૂમિપૂજન વિધિ ગૌરવપૂર્ણ માહોલમાં સંપન્ન કરવામાં આવી હતી. આ પ્રસંગે સ્થાનિક આગેવાનો, શિક્ષણપ્રેમીઓ તથા ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. નવી શાળા બાંધકામથી ગ્રામ્ય વિદ્યાર્થીઓને નજીકમાં જ ઉત્તમ શિક્ષણની સુવિધા પ્રાપ્ત થશે, જે તેમના ભવિષ્ય માટે મહત્વપૂર્ણ સાબિત થશે.
માહિતી મુજબ, આ શાળાનું નિર્માણ આશરે ૬,૪૦૦ ચોરસ મીટર વિસ્તારમાં કરવામાં આવશે. અહીં ધોરણ ૯ અને ૧૦ના વિદ્યાર્થીઓ માટે આધુનિક માળખાકીય સુવિધાઓ સાથે વર્ગખંડો, લેબોરેટરી, લાઇબ્રેરી તથા અન્ય જરૂરી શૈક્ષણિક સાધનો ઉપલબ્ધ કરાવવામાં આવશે.
મંત્રીઓએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે ગ્રામ્ય વિસ્તારોમાં શિક્ષણનો વ્યાપ વધારવો રાજ્ય સરકારની પ્રાથમિકતા છે. આવી સુવિધાઓના વિકાસથી વિદ્યાર્થીઓને શહેર તરફ સ્થળાંતર કરવાની જરૂરિયાત ઘટશે અને તેઓ પોતાના ગામમાં રહીને જ ગુણવત્તાસભર શિક્ષણ મેળવી શકશે.
આ પ્રકલ્પ પૂર્ણ થયા બાદ બેલમપર તથા આસપાસના ગામોના વિદ્યાર્થીઓને સીધો લાભ મળશે અને શિક્ષણ ક્ષેત્રે નવા અવસર ઊભા થશે. સાથે જ ગ્રામ્ય વિકાસમાં પણ મહત્વપૂર્ણ યોગદાન મળશે.
આ પહેલ “વાંચે ગુજરાત” અને “શિક્ષિત ગુજરાત”ના વિઝનને સાકાર કરવા દિશામાં એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT