
જામનગર, 03 મે (હિ.સ.) : જામનગર જિલ્લા કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે કલેક્ટર પી.બી.પંડ્યાની અધ્યક્ષતામાં ‘જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રજૂ થયેલા કુલ ૨૬ પ્રશ્નોમાંથી ૨૪ જેટલા પ્રશ્નોનો હકારાત્મક ઉકેલ લાવી અરજદારોની રજૂઆતોનું નિરાકરણ લાવવામાં આવ્યું હતું.
બેઠક દરમિયાન જિલ્લાના વિવિધ વિસ્તારોના નાગરિકોની વ્યક્તિગત અને જાહેર હિતની રજૂઆતો સંદર્ભે કલેક્ટરરે સંબંધિત વિભાગના અધિકારીઓ અને અરજદારોની રૂબરૂ હાજરીમાં વિગતવાર સમીક્ષા કરી હતી. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાઓ, જમીન રી-સર્વેની ક્ષતિઓ, દબાણ માપણી, અને વરસાદી પાણીના નિકાલ જેવા પાયાના પ્રશ્નો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત, આવાસની ડિપોઝીટ પરત મેળવવા, પ્રોપર્ટી કાર્ડમાં સુધારા, નવા વી.સી.ઇ.ની નિમણૂક, અને જમીન રી-ગ્રાન્ટ કરવા જેવા વહીવટી મુદ્દાઓ પર કલેક્ટરશ્રીએ સ્થળ પર જ જરૂરી માર્ગદર્શન આપી પ્રશ્નોનો સંતોષકારક નિકાલ કર્યો હતો. જામનગર મહાનગરપાલિકાની ભૂગર્ભ ગટર, રેલવે લીઝના પ્રશ્નો અને PGVCL સંબંધિત સ્માર્ટ મીટર તેમજ વોલ્ટેજની સમસ્યાઓ બાબતે પણ અધિકારીઓને તાકીદે કાર્યવાહી કરવા સૂચનાઓ આપવામાં આવી હતી.
કલેક્ટર પી.બી.પંડ્યાએ ઉપસ્થિત અમલીકરણ અધિકારીઓને સંબોધતા જણાવ્યું હતું કે, વહીવટી તંત્રએ પ્રજાના પ્રશ્નો પ્રત્યે હંમેશા સંવેદનશીલ રહીને પારદર્શી અને ઝડપી કાર્યવાહી કરવી જોઈએ. તેમણે અરજદારો સાથે વ્યક્તિગત સંવાદ કરી તેમને પડતી મુશ્કેલીઓ સમજી યોગ્ય દિશામાં માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt