
જામનગર, 03 મે (હિ.સ.) : આગામી ચોમાસાની ઋતુને ધ્યાને રાખીને જામનગર જિલ્લામાં સંભવિત પૂર કે અતિવૃષ્ટિ જેવી સ્થિતિ સામે અગમચેતીના ભાગરૂપે કલેક્ટર કચેરીના સભાખંડમાં પ્રિ-મોન્સુન તૈયારીઓની સમીક્ષા બેઠક યોજાઈ હતી.જેમાં જિલ્લા કલેક્ટર પી.બી.પંડ્યાએ તમામ વિભાગના અધિકારીઓને પોતાની જવાબદારી સુપેરે નિભાવી 'ઝીરો કેઝ્યુઆલિટી'ના અભિગમ સાથે કામ કરવા સૂચના આપી હતી.
બેઠક દરમિયાન કલેક્ટરએ ખાસ કરીને નદી કાંઠાના અને નીચાણવાળા વિસ્તારો પર વિશેષ ધ્યાન આપવા જણાવ્યું હતું. તેમણે વહેણ પરના ઝાડી-ઝાંખરા દૂર કરવા, ડૂબાણમાં જતાં કોઝ-વે આઈડેન્ટીફાઈ કરી ત્યાં સાઈનેજ બોર્ડ લગાવવા અને અસરગ્રસ્ત ગામોના સરપંચ-તલાટી તેમજ સ્થાનિક તરવૈયાઓના નામ અને મોબાઈલ નંબર સાથેની યાદી અદ્યતન રાખવા આદેશ આપ્યા હતા. આપાતકાલીન સ્થિતિમાં સ્થળાંતરની જરૂર પડે ત્યારે સંકલન સરળ રહે તે માટે આપદા મિત્રો અને સેવાભાવી સંસ્થાઓને પણ આ પ્લાનિંગમાં સાંકળી લેવા જણાવાયું હતું.
વધુમાં, કલેક્ટરે ભયજનક વૃક્ષોનું કટિંગ, જર્જરિત શાળા-આંગણવાડીના મકાનોનો ઉપયોગ ટાળવા, જરૂરી દવાઓનો પુરતો સ્ટોક રાખવા અને કંટ્રોલ રૂમને કાર્યરત કરવા જેવી બાબતો પર ભાર મૂક્યો હતો. પૂરની સ્થિતિમાં બોટ અને રેસ્ક્યુ સાધનોની ઉપલબ્ધતા ચકાસી લેવા પણ તેમણે દિશા-નિર્દેશ આપ્યા હતા. આ બેઠકમાં ડિઝાસ્ટર મામલતદાર દ્વારા વિવિધ વિભાગોની કામગીરી અંગે પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું.
બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ, નિવાસી અધિક કલેક્ટર એસ.એમ.કાથડ, તમામ પ્રાંત અધિકારીઓ, મામલતદારો, તાલુકા વિકાસ અધિકારીઓ તેમજ નગરપાલિકાના ચીફ ઓફિસરો ઉપસ્થિત રહ્યા હતા અને પોતાની સજ્જતા અંગે વિગતો રજૂ કરી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt