



અંબાજી, 31 મે (હિ.સ.) અંબાજી પંથકમાં રાત્રી દરમિયાન અચાનક વાવાઝોડું ત્રાટકતાં જનજીવન પર તેની અસર જોવા મળી હતી. આકાશમાં કડાકા-ભડાકા સાથે વીજળીના ચમકારા થતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ભારે પવન અને ધૂળની ડમરીઓ વચ્ચે અનેક સ્થળોએ લગાવવામાં આવેલા હોર્ડિંગ્સ ફાટી ગયા હતા, જ્યારે પાણીની પરબ માટે બનાવવામાં આવેલા તંબુઓ પણ ધરાશાયી થયા હતા.વાવાઝોડાના પગલે અંબાજી બજારમાં વેપારીઓએ સાવચેતીના ભાગરૂપે દુકાનો વહેલી બંધ કરી દીધી હતી. બજાર વિસ્તારમાં ઊંચાઈ પર લગાવવામાં આવેલા અનેક હોર્ડિંગ્સ જોખમી બની ગયા હોવાનું સામે આવ્યું છે. ભરચક વિસ્તારોમાં આવેલા આવા હોર્ડિંગ્સ કોઈ પણ સમયે અકસ્માત સર્જી શકે તેવી સ્થિતિમાં હોવાનું સ્થાનિકોમાં ચર્ચાઈ રહ્યું છે.હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી વચ્ચે રાત્રી દરમિયાન વાવાઝોડા સાથે કડાકા-ભડાકાની સ્થિતિ સર્જાઈ હતી. વીજળીના જોરદાર કડાકા બાદ ધીમી ધારે વરસાદની પણ શરૂઆત થઈ હતી. વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી અને ગરમીથી લોકોને આંશિક રાહત મળી હતી.સ્થાનિક લોકોએ બજાર અને જાહેર સ્થળોએ લગાવવામાં આવેલા જોખમી હોર્ડિંગ્સ તાત્કાલિક દૂર કરવામાં આવે તેવી માંગ ઉઠાવી છે, જેથી ભવિષ્યમાં કોઈ જાનહાનિ કે અકસ્માતની ઘટના ન બને.અંબાજી પંથકમાં વાવાઝોડાનું તાંડવ... ભારે પવનથી હોર્ડિંગ્સ ફાટ્યા, તંબુઓ ધરાશાયી... કડાકા-ભડાકા બાદ વરસાદની એન્ટ્રીથી વાતાવરણમાં ઠંડક પ્રસરી... પરંતુ બજારમાં લાગેલા જોખમી હોર્ડિંગ્સ હવે અકસ્માતને આમંત્રણ આપી રહ્યા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રભાઈ લધુરામ અગ્રવાલ