રિજિયોનલ સાયન્સ સેન્ટર-પાટણનો ત્રણ દિવસીય સમર સાયન્સ કેમ્પ સફળતાપૂર્વક પૂર્ણ
પાટણ, 31 મે (હિ.સ.)ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ હેઠળ કાર્યરત ગુજકોસ્ટ દ્વારા સ્થાપિત રિજિયોનલ સાયન્સ સેન્ટર-પાટણ ખાતે 28થી 30 મે દરમિયાન ‘પ્રકૃતિનું અન્વેષણ’ થીમ આધારિત ત્રણ દિવસીય રેસીડેન્સીયલ સમર સાયન્સ કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમ
રિજિયોનલ સાયન્સ સેન્ટર-પાટણનો ત્રણ દિવસીય સમર સાયન્સ કેમ્પ સફળતાપૂર્વક પૂર્ણ


પાટણ, 31 મે (હિ.સ.)ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ હેઠળ કાર્યરત ગુજકોસ્ટ દ્વારા સ્થાપિત રિજિયોનલ સાયન્સ સેન્ટર-પાટણ ખાતે 28થી 30 મે દરમિયાન ‘પ્રકૃતિનું અન્વેષણ’ થીમ આધારિત ત્રણ દિવસીય રેસીડેન્સીયલ સમર સાયન્સ કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં પાટણ, મહેસાણા અને બનાસકાંઠા જિલ્લાના ધોરણ 6થી 10ના કુલ 53 વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

કેમ્પના પ્રથમ દિવસે યોગાભ્યાસ, વનસ્પતિશાસ્ત્ર વિષયક વ્યાખ્યાન, સાયન્સ સેન્ટરની ગેલેરીઓની મુલાકાત તેમજ નેચર વિઝન શો, ઓરિગામી, બીજ અંકુરણ અને કચરામાંથી કુંડા બનાવવાની પ્રવૃત્તિઓ યોજાઈ હતી. રાત્રે વિદ્યાર્થીઓ માટે આકાશ દર્શન કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

બીજા દિવસે વિદ્યાર્થીઓને અંબિકા નર્સરીની મુલાકાત કરાવવામાં આવી હતી, જ્યાં વિવિધ વનસ્પતિઓનું પ્રત્યક્ષ નિરીક્ષણ કરાવાયું હતું. ઉપરાંત પીએચ મીટર વર્કશોપ, ‘જ્ઞાન સાધના’ વિષય પર પ્રેરણાદાયી વ્યાખ્યાન અને બાયો-એન્ઝાઇમ, માઇક્રોગ્રીન તથા કમ્પોસ્ટ ખાતર અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ સાથે વક્તૃત્વ અને નિબંધ લેખન સ્પર્ધાઓ પણ યોજાઈ હતી.

અંતિમ દિવસે ‘આપણી આસપાસની છુપાયેલી જૈવવિવિધતાની શોધ’ વિષય પર પ્રાયોગિક સત્ર યોજાયું હતું, જેમાં વિદ્યાર્થીઓને પર્યાવરણ, જૈવવિવિધતા અને સૂક્ષ્મ જીવસૃષ્ટિના મહત્વ અંગે માહિતી મળી હતી. સમાપન સમારોહમાં વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો એનાયત કરાયા હતા. પ્રોજેક્ટ ડાયરેક્ટર ડૉ. સુમિત શાસ્ત્રીએ જણાવ્યું હતું કે આવા કેમ્પો યુવા પેઢીમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ, વૈજ્ઞાનિક અભિગમ અને પ્રકૃતિ પ્રત્યે સંવેદનશીલતા વિકસાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande