
પાટણ, 31 મે (હિ.સ.)પાટણ નગરપાલિકા કેમ્પસની બહાર પ્રજાના ઉપયોગ માટે બનાવાયેલી ઠંડા પીવાના પાણીની પરબ તંત્રની બેદરકારીના કારણે બિસ્માર હાલતમાં પહોંચી ગઈ છે. પરબમાં મુકાયેલ વોટર કુલરની યોગ્ય જાળવણી ન થતાં બે ચકલીઓમાંથી એક કાયમી બંધ છે, જ્યારે બીજી ચકલીનો નળ પણ તૂટી અને આડો થઈ ગયો છે. પાણી પીવા માટે ગ્લાસ બાંધવાની વ્યવસ્થા હોવા છતાં સ્થળ પર કોઈ ગ્લાસ કે સાંકળ જોવા મળતી નથી, જેના કારણે લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.
પરબની આસપાસ ગંદકીનું સામ્રાજ્ય છવાયેલું છે. નળ નીચે લગાવેલા બે ટબ લાંબા સમયથી સફાઈ અને સમારકામના અભાવે કાળા પડી જવા સાથે તૂટી ગયા છે. પરિણામે નળમાંથી નીકળતું પાણી સીધું નીચે પડતું હોવાથી પાણી પીવા આવતા નાગરિકોના કપડાં પણ ભીના થઈ જાય છે. પરબની ભીંતો અને આસપાસનો વિસ્તાર પણ ગંદકી અને કાદવથી ભરેલો જોવા મળે છે.
શહેરમાં વિકાસ અને રિપેરિંગના દાવા કરતી નગરપાલિકા પોતાની કચેરીની બહાર આવેલી આ જાહેર સુવિધાની જાળવણી કરવામાં નિષ્ફળ રહી છે. સ્થાનિકોમાં પાલિકાની આ બેદરકારી સામે રોષ જોવા મળી રહ્યો છે અને તાત્કાલિક સમારકામ તથા સ્વચ્છતા જાળવવાની માંગ ઉઠી રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ