ગાંધીનગર જિલ્લાના વિકાસ નકશા પર નવું નજરાણું એટલે વડસરનું ઐતિહાસિક જેડવા તળાવ
- પાણી, પ્રકૃતિ અને પર્યાવરણનો ત્રિવેણી સંગમ અને ગ્રીન ઇકો-સિસ્ટમની નવી વ્યાખ્યા એટલે આનંદમ્ જેડવા તળાવ ગાંધીનગર, 31 મે (હિ.સ.) : ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકામાં આવેલું વડસર ગામ આજે માત્ર એક ગ્રામ્ય વિસ્તાર મટીને આધુનિક પર્યાવરણીય વિકાસનું મોડલ બ
વડસરનું ઐતિહાસિક જેડવા તળાવ


વડસરનું ઐતિહાસિક જેડવા તળાવ


- પાણી, પ્રકૃતિ અને પર્યાવરણનો ત્રિવેણી સંગમ અને ગ્રીન ઇકો-સિસ્ટમની નવી વ્યાખ્યા એટલે આનંદમ્ જેડવા તળાવ

ગાંધીનગર, 31 મે (હિ.સ.) : ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકામાં આવેલું વડસર ગામ આજે માત્ર એક ગ્રામ્ય વિસ્તાર મટીને આધુનિક પર્યાવરણીય વિકાસનું મોડલ બન્યું છે. અંદાજે ₹૧૮.૭૧ કરોડના ખર્ચે નવનિર્મિત ‘આનંદમ્ જેડવા તળાવ’ દેશભરમાં ઇકો-ટુરિઝમ અને ટકાઉ વિકાસનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. સતત ૪ વર્ષનાં સમયગાળાની મહેનત બાદ આ પ્રોજેક્ટ સાકાર થયો છે.

પ્રોજેક્ટની ભવ્યતા અને વિશેષતાઓ

તાજેતરમાં જ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહના હસ્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં વિધિવત લોકાર્પિત થયેલું વડસરનું આ જેડવા તળાવ માત્ર પાણીનો સંગ્રહ કરવાનું પરંપરાગત જળાશય નથી, પરંતુ તે જ્ઞાન, શાંતિ અને પર્યાવરણની જાળવણીનું એક આધુનિક કેન્દ્ર છે.

આ સંપૂર્ણ પ્રોજેક્ટ ૨૧ એકર વિસ્તારમાં ફેલાયેલો છે. તળાવની મહત્તમ ઊંડાઈ ૮ મીટર છે અને તેની જળસંગ્રહ ક્ષમતા ૭,૦૦,૦૦૦ લીટર જેટલી વિશાળ છે.

તળાવની આસપાસ જાપાનીઝ પદ્ધતિથી ૩૧ હજાર વૃક્ષોનું 'મિયાવાકી જંગલ' તૈયાર કરવામાં આવ્યું છે, જે ખૂબ જ ટૂંકા સમયમાં ગાઢ હરિયાળી પ્રદાન કરે છે.

અહીં આવતા મુલાકાતીઓ, ખાસ કરીને વિદ્યાર્થીઓ પ્રકૃતિનો પરિચય મેળવી શકે તે માટે વૃક્ષો પર QR કોડ લગાવવામાં આવ્યા છે, જેને સ્કેન કરીને વનસ્પતિ અને વિવિધ જીવો અંગેની માહિતી મેળવી શકાય છે.

આ પ્રોજેક્ટના બાંધકામમાં તમામ કુદરતી સામગ્રીનો જ ઉપયોગ કરવામાં આવ્યો છે. સમગ્ર ઇકો-ટુરિઝમ સ્પોટ અને તમામ ઉપકરણો સૌર ઊર્જાથી સંચાલિત છે. જળચર પ્રાણીઓ માટે એરેટર્સ-ઓક્સિજન આપતાં મશીનો પણ સ્થાપિત કરવામાં આવ્યા છે.

વિશાળ ઓક્સિજન પાર્ક અને જૈવ વિવિધતાની પુનઃસ્થાપના સમો આ પ્રોજેક્ટ માત્ર વડસર પૂરતો સીમિત નથી, પરંતુ વડસર, જાસપુર, લપકામણ અને દંતાલી એમ આસપાસનાં વિવિધ સ્થળોએ ફેલાયેલા વિશાળ ઓક્સિજન પાર્ક પ્રોજેક્ટનો હિસ્સો છે. આ સમગ્ર વિસ્તારમાં ૧,૦૦,૦૦૦થી વધુ ફૂલ આપતાં વૃક્ષો અને ૧,૨૫,૦૦૦થી વધુ ઝાડીઓ તેમજ પર્યાવરણીય સહાયક પ્રજાતિઓ વાવવામાં આવી છે. તેમાં ૧૩૫ જેટલાં મૂળ સ્થાનિક વૃક્ષો એટલે કે દુષ્કાળ પ્રતિકારક, પરાગરજ સહાયક, નાઇટ્રોજન ફિક્સિંગનો સમાવેશ થાય છે.

ઉપરાંત, પક્ષીઓ માટે ૫૦થી વધુ સ્થાપિત આવાસ તૈયાર કરાયા છે. સાપ, મધમાખીઓ, પતંગિયાં, ખિસકોલીઓ, બતકો, ગોકળગાય અને અન્ય પ્રાણીઓ માટે કુદરતી નિવાસસ્થાન ઊભું કરી, જૈવવિવિધતાની પુનઃસ્થાપના કરવામાં આવી છે.

ભવિષ્યની વિસ્તરણ યોજનાઓ અને વૈજ્ઞાનિક અભિગમ

'ગ્રીન ગુજરાત' ના સંકલ્પ હેઠળ આ પ્રોજેક્ટ જળવિજ્ઞાન, જૈવવિવિધતા, સોઇલ એન્જિનિયરિંગ અને આબોહવા અનુકૂલનનું શ્રેષ્ઠ સંકલન છે. ભવિષ્યમાં તેમાં વૈજ્ઞાનિક મોનિટરિંગ અને ડેટા ક્ષમતાનો ઉમેરો કરવામાં આવશે. આનાથી ધૂળના પ્રભાવમાં ઘટાડો, ગરમીથી રાહત અને પૂરના તણાવમાં ઘટાડો જેવા સામાજિક અને આર્થિક ફાયદાઓ મળશે.

વોટર ઇન્ટરલિંકિંગથી આસપાસનાં ગામો માટે સમૃદ્ધિનું દ્વાર

ગાંધીનગર લોકસભા મતક્ષેત્રમાં ગ્રીન કવરેજને ૮ ટકાથી વધારીને ૧૬ ટકા કરવાના સંકલ્પ સાથે તળાવોને સજીવન અને ઇન્ટરલિંકિંગ કરવાનું મોટું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. ચોમાસા દરમિયાન ખાલી રહેતાં તળાવોને નજીકની પાઇપલાઇન કે વરસાદી પાણીની ચેનલો સાથે જોડી દેવામાં આવ્યાં છે.

આનાથી માત્ર વડસર જ નહીં, પરંતુ સરહદને અડીને આવેલાં મોટી ભોયણ, સાંતેજ, રણછોડપુરા, ખાત્રજ અને નંદોલી જેવાં કલોલ તાલુકાનાં અંદાજે ૭ થી ૧૦ ગામોને સીધો લાભ મળશે. ૫ થી ૭ કિલોમીટરના ઘેરાવમાં ભૂગર્ભ જળના સ્તર ઊંચા આવશે. જે પશુધન અને ખેતી માટે વરદાન સાબિત થશે.

મુલાકાતીઓ માટે પાયાની અને આધુનિક સુવિધાઓ

આ નવસર્જિત સ્થળ દરેક વયજૂથ માટે આકર્ષણનું કેન્દ્ર છે. જેમાં બે વિશિષ્ટ યોગવિસ્તાર, જોગિંગ ટ્રેક અને બાળકો માટે આધુનિક રમતગમતનું મેદાન તથા શાંતિ અને એકાંત માટે આહલાદક બગીચો, સુંદર ગઝેબો, સિનિયર સિટિઝન પાર્ક અને રિડિંગ ઝોનની પણ સગવડ ઊભી કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, ઇમરજન્સી વ્હિકલ એન્ટ્રી અને વ્હીલચેર પ્રવેશની સુવિધા પણ ઉપલબ્ધ છે. તદુપરાંત, પવનચક્કી, ફુવારા, સોવેનિયર શોપ, પીવાનું શુદ્ધ પાણી, શૌચાલય તેમજ પાર્કિંગ વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

દીર્ઘદૃષ્ટિથી લોકાર્પણ સુધીની ગૌરવશાળી સફર

૪ વર્ષ અગાઉ કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહના હસ્તે વડનું વૃક્ષ વાવીને આ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આજે આનંદમ પરિવારના અનિલ પટેલના સહયોગથી આ સ્વપ્ન સાકાર થયું છે.

અમદાવાદ અને ગાંધીનગર બંને મહાનગરોની નજીક આવેલું હોવાથી, આ સ્થળ બંને મહાનગરોના પ્રકૃતિપ્રેમીઓ માટે વીકેન્ડ ડેસ્ટિનેશન બનશે અને સ્થાનિક રોજગારી વધારશે. વડસર ગ્રામ પંચાયત અને વહીવટી તંત્ર દ્વારા આ ઐતિહાસિક ધરોહરને સાચવવાની અપીલ સાથે, આ સ્માર્ટ પ્રકૃતિ ધામ ગાંધીનગર જિલ્લા અને સમગ્ર ગુજરાતની વિકાસગાથાનું ઉત્કૃષ્ટ પ્રતીક બન્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande