સુરતમાં IPL સટ્ટાબાજીનો ભંડાફોડ: લક્ઝરી ફ્લેટમાંથી ઓનલાઈન બેટિંગ રેકેટ ઝડપાયું
સુરત, 31 મે (હિ.સ.) : સુરતના સિંગણપોર વિસ્તારમાં આવેલા એક લક્ઝરી ફ્લેટમાં ચાલી રહેલા ઓનલાઈન IPL સટ્ટાબાજી રેકેટનો સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)એ પર્દાફાશ કર્યો છે. ગુપ્ત માહિતીના આધારે કરવામાં આવેલી કાર્યવાહી દરમિયાન થરાદના નીરજ ચૌહાણની ધરપકડ કરવામાં આ
Cyber cheaters


સુરત, 31 મે (હિ.સ.) : સુરતના સિંગણપોર વિસ્તારમાં આવેલા એક લક્ઝરી ફ્લેટમાં ચાલી રહેલા ઓનલાઈન IPL સટ્ટાબાજી રેકેટનો સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)એ પર્દાફાશ કર્યો છે. ગુપ્ત માહિતીના આધારે કરવામાં આવેલી કાર્યવાહી દરમિયાન થરાદના નીરજ ચૌહાણની ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે સમગ્ર નેટવર્કનો મુખ્ય સૂત્રધાર ગણાતા પાટણના ગૌરવ ઉર્ફે ગટી ઠક્કરને ફરાર જાહેર કરીને તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે. સમગ્ર મામલે ચોક બજાર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે.

તપાસ દરમિયાન પોલીસે ફ્લેટમાંથી લેપટોપ અને મોબાઈલ ફોન કબજે કર્યા હતા. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની IPL મેચ પર ઓનલાઈન સોદાબાજી ચાલી રહી હતી. આરોપી વિવિધ બેટિંગ વેબસાઇટ્સના આઈડી મારફતે લાખો રૂપિયાના સટ્ટા સ્વીકારતો હતો. પૂછપરછમાં તેણે જણાવ્યું કે આર્થિક મુશ્કેલીઓ વચ્ચે તે સટ્ટાબાજીના ધંધામાં જોડાયો હતો અને તેને ક્રેડિટ પર બેટિંગ એકાઉન્ટ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા હતા.

પોલીસ તપાસમાં એ પણ ખુલ્યું છે કે સટ્ટાના નાણાકીય વ્યવહારો બેંકિંગ સિસ્ટમને બદલે આંગડિયા મારફતે કરવામાં આવતા હતા. આ નેટવર્ક દ્વારા જીત-હારની રકમની હેરફેર થતી હોવાનું સામે આવ્યું છે. દરોડા દરમિયાન પોલીસે અંદાજે ₹52 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને હવે ફરાર મુખ્ય આરોપી સુધી પહોંચવા માટે તપાસ વધુ તેજ કરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande