પ્રોહીબિશન કેસના આરોપીઓ સામે દુધઈ પોલીસની કડક કાર્યવાહી, ગેરકાયદેસર વીજ જોડાણ ઝડપાયું
કચ્છ, 31 મે (હિ.સ.) : પૂર્વ કચ્છ જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર લગામ કસવા માટે પોલીસ દ્વારા સતત અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. તે અંતર્ગત દુધઈ પોલીસે પ્રોહીબિશનના ગુનામાં સંડોવાયેલા આરોપીઓ સામે વધુ એક શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ તપા
પ્રોહીબિશન આરોપીનું વીજ કનેક્શન


કચ્છ, 31 મે (હિ.સ.) : પૂર્વ કચ્છ જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર લગામ કસવા માટે પોલીસ દ્વારા સતત અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. તે અંતર્ગત દુધઈ પોલીસે પ્રોહીબિશનના ગુનામાં સંડોવાયેલા આરોપીઓ સામે વધુ એક શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ તપાસ દરમિયાન આરોપીઓના રહેણાંક સ્થળે ગેરકાયદેસર રીતે લેવામાં આવેલ વીજ કનેકશન મળી આવતા પીજીવીસીએલની ટીમ સાથે સંયુક્ત કામગીરી કરીને વીજ પુરવઠો કાપી નાખવામાં આવ્યો હતો તેમજ દંડાત્મક કાર્યવાહી પણ કરવામાં આવી છે.

પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા, પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમાર અને અંજાર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરીના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં પ્રોહીબિશન સહિતના ગુનાઓમાં સંડોવાયેલા તત્વો સામે કડક પગલાં ભરવાની ઝુંબેશ ચાલી રહી છે. આ અભિયાન હેઠળ માત્ર ગુનાહિત પ્રવૃત્તિઓ જ નહીં પરંતુ આવા તત્વો દ્વારા કરવામાં આવતા અન્ય ગેરકાયદેસર કાર્યોને પણ નિશાન બનાવવામાં આવી રહ્યા છે.

આ જ દિશામાં દુધઈ પોલીસ સ્ટેશનની ટીમે અંજાર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહીબિશનના ગુનાના આરોપીઓ પ્રભુ છગનભાઈ ડોડીયા, રમેશ છગનભાઈ ડોડીયા અને યતીન પ્રભુભાઈ ડોડીયાના વર્ષામેડી સીમ વિસ્તારમાં આવેલા રહેણાંક મકાનની તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન મકાનમાં કોઈપણ કાયદેસર પ્રક્રિયા વિના સીધો વીજ પુરવઠો મેળવવામાં આવતો હોવાનું બહાર આવ્યું હતું.

માહિતી મળતાં જ દુધઈ પોલીસ દ્વારા પીજીવીસીએલ અંજારની તકનીકી ટીમને સાથે રાખી સ્થળ પર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ગેરકાયદેસર રીતે જોડાયેલ વીજ કનેકશન તાત્કાલિક અસરથી દૂર કરવામાં આવ્યું હતું. ઉપરાંત સ્થળ પર ઉપયોગમાં લેવાતા વિવિધ ઇલેક્ટ્રિક ઉપકરણોની યાદી તૈયાર કરી વીજચોરીના આધારે નુકસાનનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું.

પીજીવીસીએલ દ્વારા કરવામાં આવેલી ગણતરી મુજબ આરોપીઓ સામે કુલ રૂ. 73,400.48નો વીજદંડ ફટકારવામાં આવ્યો છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર આવી કાર્યવાહીનો મુખ્ય હેતુ ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા તત્વોને કાયદાનું પાલન કરવા પ્રેરિત કરવાનો અને ગેરકાયદેસર સુવિધાઓનો ઉપયોગ અટકાવવાનો છે.

આ સમગ્ર કામગીરી દુધઈ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એન.બી. ડોડીયાના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ અને પીજીવીસીએલની ટીમના સંકલનથી સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી. પોલીસ તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ ગુનાહિત તત્વો સામે અસરકારક કાર્યવાહી માટે આવનારા દિવસોમાં પણ આવા અભિયાન વધુ સઘન બનાવવામાં આવશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande