
સુરત, 31 મે (હિ.સ.) : દર વર્ષે 31મી મેના રોજ સમગ્ર વિશ્વમાં વિશ્વ તમાકુ નિષેધ દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષની ઉજવણી અંતર્ગત સુરત જિલ્લામાં જિલ્લા કક્ષાનો મુખ્ય કાર્યક્રમ નવી સિવિલ હોસ્પિટલ, સુરતના સાયકિયાટ્રી વિભાગ ખાતે યોજાયો હતો.
કાર્યક્રમનું આયોજન મેડિકલ કોલેજના ડીન ડો. જયેશ ભ્રમભટ્ટ અને મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ ડો. પારુલ વડગામા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી તથા જિલ્લા ટોબેકો કંટ્રોલ કાર્યક્રમના નોડલ અધિકારી ડો. અનિલ બી. પટેલની પ્રેરણાથી તેમજ એપિડેમિક મેડિકલ ઓફિસર ડો. કૌશિક મહેતાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.
આ અવસરે સિવિલ હોસ્પિટલમાં પાયાના સ્તરે કાર્યરત કર્મચારીઓ માટે તમાકુના સેવનથી થતા શારીરિક, માનસિક અને સામાજિક નુકસાન અંગે જાગૃતિ લાવવા વિશેષ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા ટોબેકો કંટ્રોલ સેલ દ્વારા તાલુકા કક્ષાએ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો તથા ગ્રામ્ય વિસ્તારોમાં વિવિધ જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું, જેમાં જનજાગૃતિ રેલી, COTPA-2003 અંગે માર્ગદર્શન તેમજ કર્મચારીઓ, નર્સિંગ વિદ્યાર્થીઓ, આશા બહેનો, આંગણવાડી કાર્યકરો અને લોક આગેવાનો માટે વર્કશોપ યોજાયા હતા.
તમાકુ નિયંત્રણ જાગૃતિ અભિયાનનો શુભારંભ ઉમરપાડા તાલુકાની ઇન્ડસ્ટ્રિયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ (ITI) ખાતે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિદ્યાર્થીઓને તમાકુ ઉદ્યોગોના પ્રલોભનોથી દૂર રહેવા તથા “પેસિવ સ્મોકિંગ”ના ભોગ બનતા અટકવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આયોજિત જનજાગૃતિ રેલીમાં આરોગ્ય કર્મચારીઓ, નર્સિંગ વિદ્યાર્થીઓ, આશા બહેનો અને આંગણવાડી કાર્યકરોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. રેલી દરમિયાન “એક, બે, ત્રણ, ચાર – તમાકુ અને સિગારેટ છોડો યાર”, “છોડો, છોડો, છોડો તમાકુ – સિગારેટ છોડો” જેવા વ્યસનમુક્તિના નારાઓ દ્વારા જનસમુદાયને તમાકુમુક્ત જીવન અપનાવવા પ્રેરિત કરવામાં આવ્યા હતા.
સુરત શહેરના યુવા વર્ગને ધ્યાનમાં રાખી ટ્રાફિક સિગ્નલો પર સિગારેટ ડેમોન્સ્ટ્રેશન સાથે વિશેષ જનજાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. એપિડેમિયોલોજિસ્ટ ડો. પરેશ સુરતી દ્વારા તમાકુના સેવનથી થતા નુકસાન તેમજ તમાકુ નિયંત્રણ અધિનિયમ (COTPA)-2003 અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. બાળકો દવારા “જિંદગી પસંદ કરો, તમાકુ નહીં”નો પ્રેરણાદાયી સંદેશ આપી સૌને તમાકુમુક્ત જીવન જીવવા અપીલ કરવામાં આવી હતી.
સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા જિલ્લા ટોબેકો કંટ્રોલ સેલની ટીમ, સાયકિયાટ્રી વિભાગના રેસિડેન્ટ ડોક્ટરો, આરોગ્ય કર્મચારીઓ તેમજ તાલુકા અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોના સ્ટાફે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. કાર્યક્રમના અંતે જિલ્લા કાઉન્સેલર કીર્તિરાજ સોલંકીએ આભારવિધિ કરી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે