



પોરબંદર, 31 મે (હિ.સ.) : પોરબંદર શહેરના ચોપાટી મેળા ગ્રાઉન્ડ ખાતે માતૃભૂમિ સેવા ટ્રસ્ટ દ્વારા આયોજિત રામદેવજી મહારાજ સવરા મંડપ મહોત્સવ ભક્તિ, સેવા અને સાંસ્કૃતિક કાર્યક્રમોના અનોખા સમન્વય સાથે ભવ્ય રીતે ઉજવાઈ રહ્યો છે.
મહોત્સવની શરૂઆત 27 મેના રોજ ભૂમિપૂજન અને વિષ્ણુ યજ્ઞથી કરવામાં આવી હતી. ત્યારબાદ 28 મેના રોજ ધજાના સામૈયા યોજાયા હતા અને રાત્રે કાનગોપી રાસના રંગે ભક્તો ઝૂમી ઉઠ્યા હતા. 29 મેના રોજ જ્યોત પ્રાગટ્યના પાવન કાર્યક્રમ બાદ જાણીતા લોકસાહિત્યકાર રાજભા ગઢવીના લોકડાયરાએ ભક્તિ અને લોકસંસ્કૃતિનો સંગમ સજર્યો હતો.આ સમગ્ર મહોત્સવનો મુખ્ય આકર્ષણરૂપ પ્રસંગ શનિવારે સવારે 7:15 કલાકે સર્જાયો હતો, જ્યારે પોરબંદરના ઇતિહાસમાં પ્રથમવાર રામદેવજી મહારાજનો ચાર ચોગઠવાળો ભવ્ય મંડપ ખડો કરવામાં આવ્યો હતો.
મંડપના દર્શન માટે રાત્રીથી જ હજારોની સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા. ચોપાટી મેળા ગ્રાઉન્ડ માનવમેદનીથી છલકાઈ ગયું હતું અને સમગ્ર વાતાવરણ “જય રામાપીર”ના ગુંજતા નાદથી ભક્તિમય બની ગયું હતું. ભજન, ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમ સમાન આ મહોત્સવે ભાવિકોને આધ્યાત્મિક અનુભૂતિ કરાવી હતી. મંડપના દર્શન કરી શ્રદ્ધાળુઓએ રામદેવજી મહારાજના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.માતૃભૂમિ સેવા ટ્રસ્ટના આ આયોજનને ભાવિકો તરફથી ઉત્સાહભર્યો પ્રતિસાદ મળ્યો હતો અને સમગ્ર કાર્યક્રમ પોરબંદર માટે યાદગાર ધાર્મિક પ્રસંગ બની રહ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya