
સુરત, 31 મે (હિ.સ.) : સુરત જિલ્લા ટાસ્ક ફોર્સની ટીમે શ્રમ અધિક્ષક, મદદનીશ શ્રમ અધિકારી, સુરત મહાનગર પાલિકાના કર્મચારીઓ, ફેક્ટરી નિરીક્ષક, જિલ્લા બાળ સુરક્ષા વિભાગ 1098 ચાઇલ્ડ લાઇન, AHTU, સી ટીમ, અન્ય વિભાગો સાથે મળીને વરાછા વિસ્તારની મુક્તિધામ સોસાયટીમાં સ્પેશિયલ ડ્રાઇવ હેઠળ હોટ ફિક્સિંગના ખાતાઓમાં શનિવારે ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.
ચેકીંગ દરમિયાન તમામ ઘરોમાં તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમ્યાન 6 તરુણ અને 4 બાળમજૂર બાળકો અને 4 તરુણ બાળાઓ મળી કુલ 14 બાળકો કામ કરતા મળી આવ્યા હતા. તમામ બાળકો રાજસ્થાન તથા બિહારના નિવાસી હતા. આ બાળકોની ઉંમર 10 થી 17 વર્ષની આસપાસ અને છોકરીઓની ઉંમર 14-18 વર્ષની હતી. તેઓ છેલ્લા એક- બે મહિનાથી કામ કરી રહ્યા હતા. તેઓ સવારે 8 થી સાંજના 7 વાગ્યા સુધી કામ કરતા હતા. બપોરે 1 થી 2 વાગ્યા સુધી 1 કલાકની રિસેસ મળતી હતી. તમામ બાળકોને મહિને રૂ.5000 થી 10000 મહેનતાણું મળતું હતુ. બાળકો પાસેથી ઉંમરનો કોઈ દસ્તાવેજ મળી આવ્યો ન હતો.
કોઈ પુરાવા ઉપલબ્ધ ન હોવાથી તમામ બાળકોને બાળ મજૂરીમાંથી મુક્ત કરાવી બાળ કલ્યાણ સમિતિ સમક્ષ રજૂ કરી દીકરીઓને વી. આર. પોપાવાલા ચિલ્ડ્રન હોમ કતારગામ અને છોકરીઓને ચિલ્ડ્રન હોમગર્લ્સ રાંદેરમાં રાખવામાં આવ્યા છે. બાળકોના પુરાવાઓ મળ્યા બાદ તમામ માલિકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે