જામનગરમાં સ્કૂલે જતા વિદ્યાર્થીને રોકી ઘડિયાળ લૂંટનાર બે શખ્સો ગણતરીની કલાકોમાં ઝડપાયા
જામનગર, 31 મે (હિ.સ.) : જામનગર શહેરમાં સ્કૂલથી સ્પોર્ટ્સ સ્કૂલ જતાં વિદ્યાર્થીને રોકી તેની પાસેથી ઘડિયાળ બળજબરીપૂર્વક છીનવી લેવાના બનાવમાં સિટી-એ ડિવિઝન પોલીસે ગણતરીની કલાકોમાં બે આરોપીઓને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ, જામનગર સિ
ધરપકડ


જામનગર, 31 મે (હિ.સ.) : જામનગર શહેરમાં સ્કૂલથી સ્પોર્ટ્સ સ્કૂલ જતાં વિદ્યાર્થીને રોકી તેની પાસેથી ઘડિયાળ બળજબરીપૂર્વક છીનવી લેવાના બનાવમાં સિટી-એ ડિવિઝન પોલીસે ગણતરીની કલાકોમાં બે આરોપીઓને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, જામનગર સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા કલમ 115(2), 308(2), 126(2), 351(2) અને 54 મુજબ ગુનો નોંધાયો હતો. ફરિયાદ અનુસાર, ગત તા.26 મેના રોજ બપોરના સમયે એક વિદ્યાર્થી સ્કૂલથી જે.એમ.સી. સ્પોર્ટ્સ સ્કૂલ તરફ જતો હતો ત્યારે તળાવની પાળના ગેટ પાસે બે અજાણ્યા શખ્સોએ તેને રોક્યો હતો.

આરોપીઓએ વિદ્યાર્થીની બેગ ચેક કરી તેને ધમકાવ્યો હતો અને બે ઝાપટા મારી તેના હાથમાં પહેરેલી રીવર્ટ વી.આઈ.પી. કંપનીની લીલા રંગની ઘડિયાળ બળજબરીપૂર્વક ઉતરાવી લઈ ફરાર થઈ ગયા હતા. બનાવની ગંભીરતા ધ્યાને લઈ જામનગર જિલ્લા પોલીસ વડા ડો.રવિ મોહન સૈની તેમજ નાયબ પોલીસ અધિક્ષક જયવીરસિંહ એન.ઝાલા દ્વારા આરોપીઓને તાત્કાલિક ઝડપી પાડવા સૂચના આપવામાં આવી હતી.

સિટી-એ ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફ તેમજ દિગ્વિજય પ્લોટ ચોકીના પોલીસ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન આરોપી સમીરભાઈ હુશૈનભાઈ બ્લોચ (રહે. મોરકંડા રોડ સનસિટી વિસ્તાર), તેમજ તોફીકભાઈ રફિકભાઈ (રહે. ખોજા નાકા બહાર, ટીટોડીવાડી વિસ્તાર, જામનગર)ને ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે બંને આરોપીઓની ધોરણસર અટકાયત કરી આગળની તપાસ કાર્યવાહી હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande