
સુરત, 31 મે (હિ.સ.) : વડોદરામાં નોંધાયેલા MD ડ્રગ્સ કેસમાં છેલ્લા એક વર્ષથી ફરાર રહેલા મુખ્ય આરોપી શુભમ ઉર્ફે ‘લક્કી’ને સુરત ક્રાઈમ બ્રાંચે પીપલોદ વિસ્તારમાંથી ઝડપી પાડ્યો છે. પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે પ્રગતિ એપાર્ટમેન્ટ નજીક વોચ ગોઠવવામાં આવી હતી, જ્યાં આરોપી પહોંચતા જ તેને ઘેરીને કસ્ટડીમાં લેવામાં આવ્યો. 95 ગ્રામ MD ડ્રગ્સ સાથે જોડાયેલા આ કેસમાં લક્કી લાંબા સમયથી પોલીસની નજરથી દૂર રહ્યો હતો.
તપાસ દરમિયાન ખુલ્યું છે કે શુભમ ચૌબે પોતાની ઓળખ છુપાવવા માટે સંદીપ, આદિત્ય અને લક્કી સહિત અનેક નામોનો ઉપયોગ કરતો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, તે ચીખલીના એક કુખ્યાત ડ્રગ્સ સપ્લાયર પાસેથી માલ મેળવી તેનું છૂટક વેચાણ કરતો હતો. સૌથી મહત્વની બાબત એ સામે આવી છે કે ગેરકાયદે કમાણી સીધી પોતાના ખાતામાં લેવાને બદલે તે પોતાની ગર્લફ્રેન્ડ મમતા ગુપ્તાના વિવિધ બેંક ખાતાઓમાં જમા કરાવતો હતો.
પોલીસથી બચવા માટે આરોપીએ મોબાઇલ ફોનનો ઉપયોગ પણ બંધ કરી દીધો હતો અને વારંવાર પોતાનું રહેઠાણ બદલતો રહેતો હતો. હાલ તેની ગર્લફ્રેન્ડ મમતા ગુપ્તા ફરાર છે અને પોલીસે તેને વોન્ટેડ જાહેર કરીને શોધખોળ શરૂ કરી છે. શુભમ સામે અગાઉ પણ અનેક ગંભીર ગુનાઓ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે, જેને ધ્યાનમાં રાખીને પોલીસ વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી આગળ વધારી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે