
કચ્છ, 04 મે (હિ.સ.): પૂર્વ કચ્છ જિલ્લામાં પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલા “નો ડ્રગ્સ ઇન ઈસ્ટ કચ્છ કેમ્પેઈન” અંતર્ગત વધુ એક નોંધપાત્ર સફળતા પ્રાપ્ત થઈ છે. ગેરકાયદેસર માદક પદાર્થોના સેવન, હેરફેર અને વેચાણની પ્રવૃત્તિઓને મૂળથી નાબૂદ કરવા માટે જિલ્લા પોલીસ સતત સક્રિય કામગીરી કરી રહી છે. આ જ અભિયાન દરમિયાન ગાંધીધામની એસ.ઓ.જી. (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) ટીમે અંજાર તાલુકાના મેધપર કુભારડી વિસ્તારમાં દરોડો પાડી ગાંજાના જથ્થા સાથે એક ઈસમને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સરહદી રેન્જ ભુજ-કચ્છના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા તથા પૂર્વ કચ્છ ગાંધીધામના પોલીસ અધિક્ષક સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ડ્રગ્સ વિરુદ્ધ કડક ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આ ઝુંબેશને અનુસરી એસઓજી ગાંધીધામના પો.ઈન્સ. એ.આર. ગોહીલના માર્ગદર્શન હેઠળ ટીમ અંજાર વિસ્તારમાં પેટ્રોલિંગ અને બાતમીદારો મારફતે સતત નજર રાખી રહી હતી.
આ દરમ્યાન એસઓજીના એએસઆઈ વનરાજસિંહ જુવાન અને યુએચસી વિશ્વજીતસિંહ ભરતસિંહને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે મેધપર કુભારડીના ભક્તિનગર વિસ્તારમાં રહેતો એક શખ્સ પોતાના રહેણાંક મકાનમાં ગેરકાયદેસર રીતે ગાંજો સંગ્રહ કરી તેનું વેચાણ કરી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી સઘન તપાસ હાથ ધરી હતી.
તપાસ દરમિયાન ભક્તિનગર-૨, મકાન નંબર 129માંથી પોલીસે આશરે 5.654 કિલોગ્રામ ગાંજો કબ્જે કર્યો હતો, જેની અંદાજિત કિંમત રૂ.2,82,700 થાય છે. ઉપરાંત સ્થળ પરથી એક મોબાઇલ ફોન, વજનકાંટો, ઓળખના દસ્તાવેજો અને અન્ય સામગ્રી મળી આવી હતી. આમ કુલ મળી પોલીસે રૂ.2,84,200નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
આ કેસમાં પોલીસે વિમલ જયંતીભા વડગામા ઉર્ફે ગઢવી (ઉ.વ.33) નામના આરોપીની ધરપકડ કરી છે. મૂળ રાપર તાલુકાના સુદાણા ગામનો રહેવાસી આ આરોપી હાલ અંજાર તાલુકાના મેધપર કુભારડી ખાતે ભક્તિનગર વિસ્તારમાં રહેતો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી લાંબા સમયથી ગેરકાયદેસર માદક પદાર્થના વેચાણ સાથે સંકળાયેલ હોવાની શકયતા છે.
આ ઉપરાંત પોલીસએ તપાસ દરમિયાન વધુ એક શખ્સ પ્રવિણ ઠાકોર ઉર્ફે કોલી, રહે. માડવા, આબુરોડ, રાજસ્થાનને વોન્ટેડ જાહેર કર્યો છે. ગાંજાના જથ્થાના સપ્લાય અને નેટવર્કમાં તેની સંડોવણી હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલ તેને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા અલગ ટીમો કાર્યરત કરવામાં આવી છે.
ઝડપાયેલ આરોપી સામે એન.ડી.પી.એસ. એક્ટ-1985 હેઠળ ગુનો નોંધી આગળની તપાસ અને કાયદેસરની કાર્યવાહી માટે સમગ્ર મામલો અંજાર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. પોલીસ હવે આ જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો, કોને વેચવામાં આવતો હતો અને તેની પાછળ કોઈ મોટું નેટવર્ક કાર્યરત છે કે નહીં તે દિશામાં ઊંડાણપૂર્વક તપાસ ચલાવી રહી છે.
પૂર્વ કચ્છ પોલીસની આ કામગીરીને કારણે ડ્રગ્સના ગેરકાયદેસર ધંધામાં સંકળાયેલા તત્વોમાં ચકચાર મચી જવા પામી છે. જિલ્લામાં યુવાનોને નશાના ખતરાથી બચાવવા પોલીસનો કડક અભિગમ સતત જોવા મળી રહ્યો છે અને આવનારા દિવસોમાં આવી વધુ કાર્યવાહી તેજ બનશે તેવા સંકેતો મળી રહ્યા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit R. Padhiyar