
કચ્છ, 04 મે (હિ.સ.) : પૂર્વ કચ્છ જિલ્લામાં મિલકત સંબંધિત ગુનાઓ પર કડક નિયંત્રણ લાવવા માટે પોલીસ તંત્ર દ્વારા સતત સઘન પેટ્રોલિંગ અને બાતમી આધારિત કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આવી જ એક અસરકારક કાર્યવાહીમાં લોકલ ક્રાઈમ બ્રાન્ચ, પૂર્વ કચ્છ ગાંધીધામની ટીમે બાલાસર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી ચોરી કે છળકપટથી મેળવવામાં આવેલી મોટરસાયકલ સાથે એક શખ્સને ઝડપી પાડી મહત્વપૂર્ણ સફળતા મેળવી છે.
પોલીસ મહાનિરીક્ષકશ્રી ચીરાગ કોરડીયા તથા પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ચોરી, ઘરફોડ અને મિલકત સંબંધિત ગુનાઓને અટકાવવા માટે તમામ શાખાઓને સતર્ક રહેવા સૂચનાઓ આપવામાં આવી છે. તે અનુસંધાને લોકલ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સપેક્ટર જે.એમ. વાળાની આગેવાનીમાં એલસીબીની ટીમ બાલાસર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી.
આ દરમ્યાન પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે રાપર તાલુકાના ખારસરવાંઢ-ડાવરી ગામે રહેતો મોતીભાઈ હરીભાઈ કોલી પોતાના કબ્જામાં રહેલું શંકાસ્પદ મોટરસાયકલ વેચવાના ઇરાદે ડાવરી ગામના બસ સ્ટેશન તરફ આવી રહ્યો છે. મળેલી બાતમીને આધારે એલસીબીની ટીમે સ્થળ પર ગોઠવણ કરીને વોચ રાખી હતી.
થોડા સમય બાદ બાતમી મુજબનું મોટરસાયકલ ત્યાં પહોંચતા પોલીસે તેને અટકાવી તપાસ હાથ ધરી હતી. વાહનચાલક પાસે મોટરસાયકલ અંગે માલિકીના કોઈ બીલ, રજીસ્ટ્રેશન આધાર અથવા અન્ય પુરાવા રજૂ કરી શક્યા નહોતા. પોલીસે વધુ પૂછપરછ કરતાં પ્રાથમિક રીતે સામે આવ્યું કે આ બાઈક ચોરી કે છળકપટથી મેળવવામાં આવ્યું હોવાનું માનવામાં આવે છે.
ત્યારબાદ પોલીસે કાયદેસરની જોગવાઈ મુજબ એચ.એફ. ડિલક્સ મોટરસાયકલ કિ.રૂ. 30 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને આરોપી મોતીભાઈ હરીભાઈ કોલી (ઉ.વ. 50), રહે. ખારસરવાંઢ-ડાવરી, તા. રાપરની અટકાયત કરી હતી. વધુ તપાસમાં આ ગુનામાં અન્ય એક શખ્સ પ્રવિણ સામતા કોલી, રહે. લખાગઢ, તા. રાપરનું નામ પણ સામે આવ્યું છે, જે હાલ પોલીસ પકડથી દૂર હોવાનું જાણવા મળ્યું છે.
આ સમગ્ર કાર્યવાહી બાદ આરોપી અને કબ્જે કરાયેલ મુદ્દામાલને આગળની કાયદેસરની કાર્યવાહી માટે બાલાસર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે. પોલીસ હવે મોટરસાયકલનો મૂળ માલિક કોણ છે, વાહન ક્યાંથી ચોરાયું હતું અને આ ચોરી પાછળ અન્ય કોઈ ગેંગ સંડોવાયેલ છે કે નહીં તે દિશામાં વધુ તપાસ ચલાવી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit R. Padhiyar