14 માસથી ફરાર છેતરપીંડીનો આરોપી આખરે જાળમાં: પશ્ચિમ કચ્છ એલસીબીની સચોટ બાતમીથી કોટાય નજીક ઝડપી પાડાયો
કચ્છ, 04 મે (હિ.સ.) : પશ્ચિમ કચ્છ જિલ્લામાં નોંધાયેલા છેતરપીંડી અને વિશ્વાસઘાતના ગંભીર ગુનામાં છેલ્લા ચૌદ મહિનાથી પોલીસને ચકમો આપીને નાસતા ફરતા આરોપીને આખરે લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલસીબી) પશ્ચિમ કચ્છ-ભુજની ટીમે ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. લાંબા સમય
ફરાર આરોપી ઝડપાયો


કચ્છ, 04 મે (હિ.સ.) : પશ્ચિમ કચ્છ જિલ્લામાં નોંધાયેલા છેતરપીંડી અને વિશ્વાસઘાતના ગંભીર ગુનામાં છેલ્લા ચૌદ મહિનાથી પોલીસને ચકમો આપીને નાસતા ફરતા આરોપીને આખરે લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલસીબી) પશ્ચિમ કચ્છ-ભુજની ટીમે ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. લાંબા સમયથી ફરાર રહેલો આ આરોપી પોલીસ માટે પડકારરૂપ બન્યો હતો, પરંતુ બાતમીદારોના મજબૂત જાળ અને એલસીબીની સતત દેખરેખના કારણે આરોપી કાયદાના હાથમાંથી વધુ સમય બચી શક્યો નહોતો.

સરહદી રેન્જ ભુજના પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા તથા પશ્ચિમ કચ્છના પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંડા દ્વારા જિલ્લામાં નોંધાયેલા નાસતા ફરતા આરોપીઓને ઝડપથી પકડી પાડવા માટે તમામ શાખાઓને કડક સૂચનાઓ આપવામાં આવી હતી. આ માર્ગદર્શનના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજ દ્વારા ફરાર ગુનેગારો પર વિશેષ નજર રાખવામાં આવી રહી હતી.

આ કામગીરી દરમિયાન લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એમ. એચ. શીણોલના માર્ગદર્શન હેઠળ પોલીસ હેડ કોન્સ્ટેબલ રણજીતસિંહ જાડેજા, જયદેવસિંહ જાડેજા અને પોલીસ કોન્સ્ટેબલ ભરતભાઈ ગઢવી ભુજ તાલુકા વિસ્તારમાં અલગ-અલગ ગુનાઓના નાસતા ફરતા આરોપીઓની શોધખોળમાં હતા. તે દરમ્યાન ટીમ કોટાય ગામ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે ખાનગી બાતમીના આધારે મહત્વની માહિતી મળી હતી.

મળેલી ચોક્કસ હકીકત મુજબ પધ્ધર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છેતરપીંડી, દસ્તાવેજી કૌભાંડ, બનાવટી પુરાવા ઉભા કરવાના અને વિશ્વાસઘાત સંબંધિત ગુનામાં વૉન્ટેડ આરોપી વિપુલભાઈ ભગુભાઈ કોવાડીયા (આહીર) હાલ સ્પ્રંગ ગામે મેકરણદાદાના મંદિર નજીક ઉભો હોવાનું જાણવા મળ્યું હતું. માહિતી મળતા જ એલસીબીની ટીમે સ્થળ પર પહોંચીને ઘેરાબંધી કરી અને વર્ણન મુજબના શંકાસ્પદ ઇસમને ઝડપી લીધો હતો.

પ્રાથમિક પૂછપરછ અને ઓળખની ખાતરી બાદ પોલીસે સ્પષ્ટ કર્યું કે પકડાયેલ ઇસમ પધ્ધર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં છેલ્લા 14 માસથી ફરાર હતો. આરોપી સામે ભારતીય દંડ સંહિતાની કલમ 465, 467, 468, 471 અને 144 હેઠળ ગુનો નોંધાયેલ છે, જેમાં ખોટા દસ્તાવેજો બનાવવાની, કૌભાંડપૂર્વક તેનો ઉપયોગ કરવાની તથા વિશ્વાસઘાત જેવી ગંભીર જોગવાઈઓનો સમાવેશ થાય છે.

આરોપીની ઓળખ વિપુલભાઈ ભગુભાઈ કોવાડીયા (આહીર), ઉંમર આશરે 30 વર્ષ, રહે. ધૂંગ તાલુકો ભુજ તરીકે થઈ છે. આરોપીને કાયદેસરની કાર્યવાહી માટે હસ્તગત કરીને આગળની કાર્યવાહી અર્થે પધ્ધર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit R. Padhiyar


 rajesh pande