ધો-12 સાયન્સનું 84.33% અને સામાન્ય પ્રવાહનું 92.71% પરિણામ
- સા.પ્રવાહમાં વિદ્યાર્થિનીઓએ બાજી મારી - સૌથી ઓછું અમદાવાદ શહેરનું પરિણામ અમદાવાદ, 04 મે (હિ.સ.) : ધો-12 સાયન્સનું 84.33% અને સા.પ્રવાહનું 92.71% રિઝલ્ટ જાહેર થયું છે. 2026ની પરીક્ષામાં ધોરણ 12 સાયન્સના 1,19,263 અને સામાન્ય પ્રવાહના 5,01,286 એમ
ધો-12 સાયન્સનું 84.33% અને સામાન્ય પ્રવાહનું 92.71% પરિણામ


- સા.પ્રવાહમાં વિદ્યાર્થિનીઓએ બાજી મારી

- સૌથી ઓછું અમદાવાદ શહેરનું પરિણામ

અમદાવાદ, 04 મે (હિ.સ.) : ધો-12 સાયન્સનું 84.33% અને સા.પ્રવાહનું 92.71% રિઝલ્ટ જાહેર થયું છે. 2026ની પરીક્ષામાં ધોરણ 12 સાયન્સના 1,19,263 અને સામાન્ય પ્રવાહના 5,01,286 એમ કુલ 6.20 લાખ પરીક્ષાર્થી હતા.

રાજ્યના શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાએ ધોરણ-12નું પરિણામ જાહેર કર્યું છે, જેમાં વિજ્ઞાન તથા સામાન્ય બંને પ્રવાહના પરિણામો જાહેર થતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ખુશીની લાગણી છવાઈ ગઈ છે.

માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી આ પરીક્ષા રાજ્યના કુલ 156 કેન્દ્રો પર યોજાઈ હતી, જેમાં વિજ્ઞાન પ્રવાહમાં 1,18,256 વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા અને તેમાંથી 93 હજારથી વધુ વિદ્યાર્થીઓ સફળતા પ્રાપ્ત કરી છે, જેના કારણે વિજ્ઞાન પ્રવાહનું કુલ પરિણામ 84.33 ટકા નોંધાયું છે.

જિલ્લા મુજબ જોવામાં આવે તો મોરબી જિલ્લો પ્રથમ ક્રમે રહ્યો છે જ્યારે દાહોદ જિલ્લો અંતિમ ક્રમે નોંધાયો છે, તેમજ કેન્દ્ર મુજબ કુંભારીયા કેન્દ્રે પ્રથમ સ્થાન મેળવ્યું છે. બીજી તરફ, સામાન્ય પ્રવાહમાં 4 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેઠા હતા અને તેનું કુલ પરિણામ 92.71 ટકા નોંધાયું છે, જે નોંધપાત્ર ગણાય છે. રાજ્યભરમાં પરિણામ જાહેર થતાં જ વિદ્યાર્થીઓ પોતાના પરિણામ જાણવા માટે ઉત્સુક બન્યા હતા અને શાળાઓ તથા ઓનલાઈન માધ્યમો પર ભારે ટ્રાફિક જોવા મળ્યો હતો.

રાજકોટ જિલ્લાનું વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 1% જેટલું વધીને 93.36% આવ્યું છે જયારે સામાન્ય પ્રવાહનું પરિણામ ગત વર્ષ જેટલું જ એટલે કે 93.69% જાહેર કરવામાં આવ્યું છે.

રાજકોટ જિલ્લામાં ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં A1 ગ્રેડ 1184 વિદ્યાર્થીઓ અને A2 ગ્રેડ 3669 વિદ્યાર્થીઓએ પ્રાપ્ત કર્યા છે તેમજ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં A1 ગ્રેડ 199 વિદ્યાર્થીઓ અને A2 ગ્રેડ 1444 વિદ્યાર્થીઓએ પ્રાપ્ત કર્યા છે.

રાજકોટ જિલ્લામાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં કુલ 7678 વિદ્યાર્થીઓએ નોંધાયા હતા જેમાંથી 7671 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. અને રાજકોટ જિલ્લામાં ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં કુલ 23683 વિદ્યાર્થીઓએ નોંધાયા હતા જેમાંથી 23619 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.

ધો-12 સાયન્સમાં સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો 94.85 ટકા સાથે મોરબી

ધોરણ 12 સાયન્સમાં સૌથી વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર કુંભારીયા 98.62 ટકા છે. જ્યારે સૌથી ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર લીમડી-દાહોદ 42.98 ટકા છે. સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો મોરબી 94.85 ટકા છે. સૌથી ઓછું પરિણામ ધરાવતો જિલ્લો દાહોદ 57.44 ટકા છે. 209 સ્કૂલો 100 ટકા પરિણામ મેળવ્યું છે.

વિદ્યાર્થીઓની માર્કશીટ, પ્રમાણપત્ર અને SR શાળાવાર મોકલવા અંગેની જાણ હવે પછીથી કરવામાં આવશે. પરીક્ષા બાદ ગુણચકાસણી, દફતર ચકાસણી, નામ સુધારા, ગુણ-તૂટ અસ્વીકાર અને પરીક્ષામાં પુન:ઉપસ્થિત થવા માટેની જરૂરી સૂચનાઓ સાથેનો પરિપત્ર હવે પછીથી પ્રસિધ્ધ કરવામાં આવશે તથા માર્કશીટ અને પ્રમાણપત્ર સાથે શાળાઓને મોકલી આપવામાં આવશે.

ધોરણ-12 સામાન્ય પ્રવાહના 5.01 લાખથી વધુ, ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહના 1.19 લાખથી વધુ અને ગુજકેટના વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષા આપી હતી.

ધોરણ -12 સામાન્ય પ્રવાહ માટે નોંધાયેલા કુલ 501286 પરીક્ષાર્થીમાંથી 437279 નિયમિત, 35174 ખાનગી, 15813 રિપીટર, 7873 ખાનગી રિપીટર અને 5147 પૃથ્થક પરીક્ષાર્થી હતા. આ પૈકી 2293 પરીક્ષાર્થી દિવ્યાંગ તરીકે નોંધાયા હતા. જ્યારે ધો -12 સાયન્સમાં નોંધાયેલ કુલ પરીક્ષાર્થીઓ 119263 હતા. તે પૈકી 111294 નિયમિત, 76980 રિપીટર અને 279 પૃથ્થક પરીક્ષાર્થી હતા. આ પૈકી 193 પરીક્ષાર્થી દિવ્યાંગ હતા.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande