
મહેસાણા, 13 જૂન (હિ.સ.)વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સફળ 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે વિવિધ જનજાગૃતિ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. આ અંતર્ગત મહેસાણા લોકસભાના સાંસદ શ્રી હરિભાઈ પટેલે દેરોલ સ્થિત ઋષિવનની મુલાકાત લઈ પર્યાવરણ સંરક્ષણ અને હરિત ભારતના નિર્માણ અંગે મહત્વપૂર્ણ સંદેશ આપ્યો હતો.
મુલાકાત દરમિયાન સાંસદશ્રીએ પર્યાવરણ પ્રેમી, ગ્રીન એમ્બેસેડર તથા જાણીતા સમાજસેવક શ્રી જીતુભાઈ સાથે મુલાકાત કરી હતી. આ પ્રસંગે બંને મહાનુભાવોએ વૃક્ષારોપણ કરીને પર્યાવરણ જતનનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. સાથે જ પ્રકૃતિ પ્રત્યેની જવાબદારી, પર્યાવરણ સુરક્ષા, જળ સંરક્ષણ, હરિયાળી વધારવાના પ્રયાસો અને જનભાગીદારી દ્વારા પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવાના મુદ્દાઓ પર અર્થપૂર્ણ ચર્ચા અને વિચારોનું આદાનપ્રદાન કરવામાં આવ્યું હતું.
સાંસદ શ્રી હરિભાઈ પટેલે શ્રી જીતુભાઈ દ્વારા વર્ષોથી પર્યાવરણ ક્ષેત્રે કરવામાં આવી રહેલા પ્રેરણાદાયી કાર્યોની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે વૃક્ષારોપણ અને પર્યાવરણ સંરક્ષણ માટે સમાજના દરેક વર્ગની ભાગીદારી જરૂરી છે. આવા પ્રયાસો થકી આગામી પેઢી માટે સ્વચ્છ, હરિયાળું અને સુરક્ષિત પર્યાવરણનું નિર્માણ શક્ય બનશે.
આ મુલાકાતે પર્યાવરણ પ્રત્યેની સામૂહિક જવાબદારીને વધુ મજબૂત બનાવવાની સાથે હરિત ભારતના સંકલ્પને નવી દિશા આપી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR