
પાટણ, 13 જૂન (હિ.સ.)
પાટણ શહેરમાં ટ્રાફિક નિયમોનું પાલન સુનિશ્ચિત કરવા અને ગુનાહિત પ્રવૃત્તિઓ પર અંકુશ મેળવવા માટે બી ડિવિઝન પોલીસે બગવાડા દરવાજા વિસ્તારમાં ખાસ ટ્રાફિક ડ્રાઇવ હાથ ધરી હતી. પોલીસ ઇન્સ્પેક્ટર નીરવ શાહની દેખરેખ હેઠળ પોલીસ સ્ટાફે સઘન વાહન ચેકિંગ કર્યું હતું.
ડ્રાઇવ દરમિયાન બ્લેક ફિલ્મ લગાવેલી કાર, નંબર પ્લેટ વગરના વાહનો, ડ્રાઇવિંગ લાયસન્સ વગર વાહન ચલાવતા ચાલકો તેમજ મોટરસાયકલ પર ત્રણ સવારી જતા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી. નિયમોનો ભંગ કરનારાઓને સ્થળ પર જ દંડ અને મેમો ફટકારવામાં આવ્યા હતા.
પોલીસની આ અચાનક કાર્યવાહીને કારણે નિયમભંગ કરનારા વાહનચાલકોમાં ફફડાટ ફેલાયો હતો. પોલીસ વિભાગે જણાવ્યું છે કે શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા જાળવવા અને કાયદો-વ્યવસ્થા મજબૂત બનાવવા માટે આવી ઝુંબેશ આગામી સમયમાં પણ ચાલુ રહેશે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ