
સુરત, 13 જૂન (હિ.સ.): સુરત શહેરના હોમગાર્ડ વિભાગમાં ભ્રષ્ટાચાર અને જવાનોના શોષણના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. કેટલાક હોમગાર્ડ જવાનોએ કમાન્ડન્ટ થોમસ પઠારે સામે લેખિત ફરિયાદ નોંધાવી છે, જેમાં દર મહિને રૂ. 3,000થી 5,000 સુધીની ગેરકાયદેસર ઉઘરાણી કરવામાં આવતી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ફરિયાદીઓએ આક્ષેપોને સમર્થન આપતા ડિજિટલ ટ્રાન્ઝેક્શનના પુરાવા અને ઓનલાઈન પેમેન્ટના રેકોર્ડ પણ રજૂ કર્યા હોવાનું જાણવા મળે છે.
ફરિયાદમાં જણાવ્યા મુજબ, કેટલાક જવાનો પાસેથી “ઓફિસ ફંડ” અને અન્ય બહાનાઓ હેઠળ રૂપિયા માંગવામાં આવતા હતા. એક જવાને આક્ષેપ કર્યો છે કે પૈસા આપવાનો ઇનકાર કર્યા બાદ તેને લાંબા સમય સુધી ફરજ પર ન લેવામાં આવ્યો અને માનસિક ત્રાસનો સામનો કરવો પડ્યો. ઉપરાંત, રજા અને ડ્યૂટી સંબંધિત બાબતોમાં પણ દબાણ કરવામાં આવતું હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
અન્ય જવાનોએ પણ રજૂઆતમાં જણાવ્યું છે કે અધિકારીઓની માંગણીઓ ન સ્વીકારનાર કર્મચારીઓને રહેઠાણથી દૂર ડ્યૂટી ફાળવવી, નોકરી બંધ કરવાની ધમકી આપવી અથવા સસ્પેન્શનનો ભય બતાવવો જેવી રીતોથી દબાણ કરવામાં આવતું હતું. ફરિયાદીઓનો દાવો છે કે આવા અનેક નાણાકીય વ્યવહારોના પુરાવા તેમની પાસે ઉપલબ્ધ છે અને જરૂરી તપાસમાં તેઓ સહકાર આપવા તૈયાર છે.
આ સમગ્ર મામલો સામે આવતા હોમગાર્ડ જવાનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પીડિતોએ રાજ્યના ગૃહ વિભાગ અને ઉચ્ચ અધિકારીઓ સમક્ષ નિષ્પક્ષ તપાસની માંગ કરી છે. સાથે જ, યોગ્ય કાર્યવાહી નહીં થાય તો કાનૂની માર્ગ અપનાવી કોર્ટના દ્વાર ખટખટાવવાની ચેતવણી પણ આપવામાં આવી છે. હવે પોલીસ કમિશનર કચેરી અને સંબંધિત વિભાગો આ રજૂઆત પર શું પગલાં ભરે છે તેના પર સૌની નજર છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે