
સુરત, 13 જૂન (હિ.સ.): સુરતના સિટીલાઇટ વિસ્તારમાં રહેતી યુવા ઓલરાઉન્ડર ગૌરી ગોયલે ભારતીય અંડર-19 મહિલા ક્રિકેટ ટીમમાં સ્થાન મેળવી શહેર અને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. સુરતમાંથી ભારતીય મહિલા ક્રિકેટ ટીમ સુધી પહોંચનારી તે પ્રથમ મહિલા ક્રિકેટર બની છે. શ્રીલંકા સામે રમાનારી અંડર-19 શ્રેણી માટે તેની પસંદગી થતાં ક્રિકેટપ્રેમીઓમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે.
ગૌરીએ વિવિધ ડોમેસ્ટિક ટુર્નામેન્ટોમાં સતત સારું પ્રદર્શન કરીને પસંદગીકારોનું ધ્યાન ખેંચ્યું હતું. બીસીસીઆઈના સેન્ટર ઑફ એક્સલન્સ અંડર-19 મહિલા એલિટ કેમ્પમાં પણ તેણે પોતાની પ્રતિભાનો પરિચય આપ્યો હતો. દેશભરની પ્રતિભાશાળી ખેલાડીઓ વચ્ચે ગૌરીનું પ્રદર્શન પ્રભાવશાળી રહ્યું, જેના આધારે તેને ભારતીય ટીમમાં તક મળી છે.
ડાબોડી સ્પિન બોલર અને મધ્યક્રમની વિશ્વસનીય બેટર તરીકે ઓળખાતી ગૌરી આ સિઝનમાં અંડર-19, અંડર-23 અને સિનિયર મહિલા ક્રિકેટ સહિત કુલ 28 બીસીસીઆઈ માન્ય મેચોમાં રમેલી છે. ક્રિકેટની વ્યસ્તતા વચ્ચે તે ધોરણ-12ની ઓપન બોર્ડ પરીક્ષાની તૈયારી પણ કરી રહી છે. તેના પિતા પ્રકાશ ગોયલ સુરતના જાણીતા ટેક્સટાઇલ વ્યવસાયી છે.
ભારત અને શ્રીલંકા વચ્ચેની અંડર-19 શ્રેણીમાં ચેન્નાઈમાં ત્રણ ટી-20 અને પોંડિચેરીમાં ત્રણ વન-ડે મેચો રમાશે. આ શ્રેણીને 2027ના અંડર-19 મહિલા વર્લ્ડ કપ માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. ગૌરીએ જણાવ્યું કે તે માતા-પિતા, કોચિંગ સ્ટાફ અને ઈશ્વરની આભારી છે અને દેશ માટે પોતાની શ્રેષ્ઠ ક્ષમતા મુજબ 100 ટકા યોગદાન આપવા પ્રતિબદ્ધ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે