ભાદ્રોડ ગામની 30 વર્ષ જૂની પાણીની ટાંકી બની જોખમી, ગ્રામજનોમાં ભયનો માહોલ
ભાવનગર, 14 જૂન (હિ.સ.) : ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના ભાદ્રોડ ગામમાં આશરે 30 વર્ષ પહેલાં બનાવવામાં આવેલો ઓવરહેડ પાણીનો ટાંકો હાલમાં અત્યંત જર્જરીત અને જોખમી હાલતમાં પહોંચી ગયો છે. ગામની મધ્યમાં આવેલો આ ટાંકો હવે ગ્રામજનો માટે ચિંતાનો વિષય બન્યો છ
જર્જરીત હાલતમાં રહેલો ટાંકો


ભાવનગર, 14 જૂન (હિ.સ.) : ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના ભાદ્રોડ ગામમાં આશરે 30 વર્ષ પહેલાં બનાવવામાં આવેલો ઓવરહેડ પાણીનો ટાંકો હાલમાં અત્યંત જર્જરીત અને જોખમી હાલતમાં પહોંચી ગયો છે. ગામની મધ્યમાં આવેલો આ ટાંકો હવે ગ્રામજનો માટે ચિંતાનો વિષય બન્યો છે. ટાંકીની હાલત દિવસેને દિવસે ખરાબ થતી જતાં મોટી દુર્ઘટના સર્જાવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે.

સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ ટાંકીના કોંક્રિટના ભાગો અનેક સ્થળોએ ખખડી ગયા છે અને અંદરના લોખંડના સળિયા પણ બહાર દેખાવા લાગ્યા છે. વર્ષો જૂની આ ટાંકીનું સમયસર સમારકામ કરવામાં ન આવતાં તેની મજબૂતાઈ પર ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. વરસાદી મોસમ અને સતત બદલાતા હવામાનના કારણે ટાંકીની સ્થિતિ વધુ નબળી બની રહી હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે.

ગામની મધ્યમાં આવેલી આ ટાંકીની આસપાસ રોજબરોજ મોટી સંખ્યામાં લોકોની અવરજવર રહેતી હોવાથી કોઈ અનિચ્છનીય ઘટના બને તો જાનમાલનું મોટું નુકસાન થઈ શકે છે. ખાસ કરીને બાળકો, વૃદ્ધો અને નજીકમાં રહેતા પરિવારો માટે આ ટાંકો સતત જોખમરૂપ બની ગયો છે.

ગ્રામજનોએ જણાવ્યું હતું કે ટાંકીની જોખમી સ્થિતિ અંગે અનેક વખત સંબંધિત વિભાગો અને સ્થાનિક તંત્ર સમક્ષ રજૂઆતો કરવામાં આવી છે. તેમ છતાં આજદિન સુધી ટાંકીના રિનોવેશન, મરામત અથવા ડિમોલેશન અંગે કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી. જેના કારણે લોકોમાં તંત્ર પ્રત્યે નારાજગી જોવા મળી રહી છે.

ભાદ્રોડના રહેવાસીઓએ તાત્કાલિક ધોરણે ટેકનિકલ નિરીક્ષણ કરાવી ટાંકી અંગે યોગ્ય નિર્ણય લેવામાં આવે તેવી માંગ ઉઠાવી છે. ગ્રામજનોનું કહેવું છે કે કોઈ દુર્ઘટના સર્જાય તેની રાહ જોવાને બદલે સમયસર પગલાં લેવામાં આવે તો જાનહાનિ અને નુકસાન ટાળી શકાય. હાલમાં ગામમાં આ જર્જરીત પાણીનો ટાંકો લોકો માટે ચિંતાનું કારણ બન્યો છે અને તાત્કાલિક કાર્યવાહી માટે માંગ ઉગ્ર બની રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande