જામનગર જિલ્લામાં સરકારી કચેરીઓથી લઈ ધાર્મિક સ્થળો સુધી વ્યાપક સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી
જામનગર, 14 જૂન (હિ.સ.) : જામનગર જિલ્લાને વધુ સ્વચ્છ, સુંદર અને સુઘડ બનાવવાના મક્કમ નિર્ધાર સાથે સમગ્ર જિલ્લામાં સઘન સફાઈ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ અભિયાન અંતર્ગત ગ્રામ્ય સ્તરથી શરૂ કરીને તાલુકા અને જિલ્લા કક્ષા
સ્વચ્છતા અભિયાન


જામનગર, 14 જૂન (હિ.સ.) : જામનગર જિલ્લાને વધુ સ્વચ્છ, સુંદર અને સુઘડ બનાવવાના મક્કમ નિર્ધાર સાથે સમગ્ર જિલ્લામાં સઘન સફાઈ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ અભિયાન અંતર્ગત ગ્રામ્ય સ્તરથી શરૂ કરીને તાલુકા અને જિલ્લા કક્ષા સુધીના તમામ જાહેર સેવાના સ્થળો તેમજ શ્રદ્ધા કેન્દ્રોને આવરી લેવામાં આવ્યા છે, જેથી નાગરિકોમાં સ્વચ્છતા પ્રત્યે સભાનતા વધે અને તંદુરસ્ત વાતાવરણનું નિર્માણ થઈ શકે. આ વિશેષ સફાઈ ઝુંબેશ અંતર્ગત જામનગર જિલ્લાની તમામ સરકારી કચેરીઓ, શાળાઓ તેમજ અન્ય સ્વાયત્ત અને જાહેર સંસ્થાઓના પરિસરોની સફાઈ કરવામાં આવી રહી છે.

કચેરીઓમાં વર્ષો જૂના બિનજરૂરી રેકોર્ડના નિકાલથી લઈને સામાન્ય જનતા માટેની સુવિધાઓને સ્વચ્છ રાખવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. આ સાથે જ, ભવિષ્યની પેઢીમાં અત્યારથી જ સ્વચ્છતાના સંસ્કારોનું સિંચન થાય તે હેતુથી શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થીઓ અને સ્ટાફના સહયોગથી પરિસર સફાઈની પ્રવૃત્તિઓ વેગવંતી બનાવવામાં આવી છે.

સરકારી સંસ્થાઓ ઉપરાંત, નાગરિકોની રોજીંદી અવરજવર વાળા મુખ્ય વિસ્તારો જેવા કે સ્થાનિક હાટ-બજારો અને ગામ-તાલુકા કક્ષાના મોટા વ્યાપારી કેન્દ્રોમાં પણ આ ઝુંબેશ અંતર્ગત કચરાના નિકાલની યોગ્ય વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. હાટ-બજારોમાં વેપારીઓને પણ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા અને કચરો નિયત જગ્યાએ જ નાખવા માટે વહીવટી તંત્ર દ્વારા સમજણ પૂરી પાડવામાં આવી રહી છે.

વિશેષ રૂપે, જામનગર જિલ્લાના ઐતિહાસિક અને સ્થાનિક શ્રદ્ધાના કેન્દ્ર સમાન તમામ ધાર્મિક સ્થળોએ પણ આ અભિયાન અંતર્ગત વિશેષ સફાઈ હાથ ધરવામાં આવી છે. ધાર્મિક સ્થાનો પર આવતા દર્શનાર્થીઓને પવિત્ર અને સુખદ વાતાવરણ મળી રહે તે માટે મંદિર પરિસરો, પ્રવેશદ્વારો અને આસપાસના વિસ્તારોને સંપૂર્ણપણે સ્વચ્છ રાખવા માટે સ્થાનિક સમિતિઓ અને સ્વયંસેવકોનો પણ સહકાર લેવામાં આવી રહ્યો છે. જિલ્લા પ્રશાસન દ્વારા જામનગરના તમામ નાગરિકો, સામાજિક સંસ્થાઓ અને સેવાભાવી મંડળોને આ સફાઈ ઝુંબેશમાં સક્રિયપણે જોડાવવા અને પોતાના વિસ્તારને સ્વચ્છ રાખી આ મહાઅભિયાનને સફળ બનાવવા હાર્દિક અપીલ કરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande