
સુરત, 14 જૂન (હિ.સ.): સુરતના અઠવાગેટ વિસ્તારમાં મોડી રાત્રે એક ચોંકાવનારી ઘટના સામે આવી, જેમાં પોલીસ વિભાગના એક ASIએ નશાની હાલતમાં પોતાની કારથી BRTS બસને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે કારનો આગળનો ભાગ સંપૂર્ણપણે નુકસાનગ્રસ્ત બની ગયો હતો. ઘટનાસ્થળે હાજર લોકોએ જણાવ્યું કે અકસ્માત બાદ પોલીસકર્મી યોગ્ય રીતે બોલી પણ શકતો નહોતો અને તેની હરકતો પરથી તે ભારે નશામાં હોવાનો અંદાજ આવી રહ્યો હતો.
અકસ્માત પછી સ્થાનિકોએ કારની તપાસ કરતાં પાછળની સીટમાંથી પોલીસની સત્તાવાર વરદી, બેલ્ટ તેમજ દારૂની બોટલ અને પ્લાસ્ટિકનો ગ્લાસ મળી આવ્યા હતા. વરદી પર લાગેલી નેમપ્લેટ પરથી તેની ઓળખ અજય એચ. પટેલ તરીકે થઈ હતી, જે સુરત પોલીસમાં ASI તરીકે ફરજ બજાવે છે. ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા અને પોલીસકર્મીના વર્તન સામે ભારે નારાજગી વ્યક્ત કરી હતી.
ઉમરા પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે અકસ્માત સર્જનાર વ્યક્તિ ખરેખર પોલીસ વિભાગનો જ કર્મચારી છે અને તે સમયે નશાની અસર હેઠળ હતો. પોલીસે તેની અટકાયત કરીને પ્રોહિબિશન એક્ટ સહિત સંબંધિત કાયદાકીય કલમો હેઠળ કાર્યવાહી શરૂ કરી છે. આ ઘટનાએ સુરત પોલીસની છબી પર પ્રશ્નચિહ્ન ઊભું કર્યું છે અને કાયદાનું પાલન કરાવનારા જ નિયમોનું ઉલ્લંઘન કરતા હોવાના મુદ્દે લોકોમાં ચર્ચા જગાવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે