જામનગર નજીક જાંબુડા પાસે આવેલ રિસોર્ટમાં વધુ એક બાળકનું ડૂબી જવાથી મૃત્યુ
જામનગર, 14 જૂન (હિ.સ.) : જામનગર નજીક આવેલા જાંબુડા પાટિયા વિસ્તારમાં રજાની મજા માણવા ગયેલા એક માસૂમ પરિવાર માટે શનિવારનો દિવસ કાળમુખો સાબિત થયો છે. અહીં આવેલા એક જાણીતા વોટર પાર્કમાં પોતાની માતા સાથે ન્હાવા ગયેલા ૧૪ વર્ષીય કિશોરનું શંકાસ્પદ સંજોગોમ
બાળકનું ડૂબી જવાથી મૃત્યુ


જામનગર, 14 જૂન (હિ.સ.) : જામનગર નજીક આવેલા જાંબુડા પાટિયા વિસ્તારમાં રજાની મજા માણવા ગયેલા એક માસૂમ પરિવાર માટે શનિવારનો દિવસ કાળમુખો સાબિત થયો છે. અહીં આવેલા એક જાણીતા વોટર પાર્કમાં પોતાની માતા સાથે ન્હાવા ગયેલા ૧૪ વર્ષીય કિશોરનું શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ નીપજતાં સમગ્ર પંથકમાં ભારે ગમગીની અને અરેરાટી વ્યાપી ગઈ છે. માત્ર એક જ અઠવાડિયાના ટૂંકા ગાળામાં જામનગર આસપાસના વોટર પાર્કમાં અકસ્માતે મોતોનો આ બીજો બનાવ સામે આવતા આવા મનોરંજન સ્થળો પર પ્રવાસીઓની સુરક્ષા અને કાળજીને લઈને સ્થાનિક તંત્ર તેમજ સંચાલકો સામે અનેક સવાલો ઊભા થયા છે.

ઘટનાની વિગત એવી છે કે, જામનગર શહેરના પ્રખ્યાત શરૂ સેક્શન માર્ગ પર રહેતો ૧૪ વર્ષીય કિશોર આરવ સોમકર શનિવારની રજા હોવાથી પોતાના પરિવાર સાથે જાંબુડા પાટિયા નજીક આવેલા 'વેલકમ રિસોર્ટ' ખાતે ફરવા અને વોટર પાર્કમાં ન્હાવાની મજા માણવા માટે ગયો હતો. હસતા-રમતા પરિવારે કલ્પના પણ નહોતી કરી કે આ પ્રમોદ પ્રવાસ તેમના માટે કાયમી શોક બની જશે. વોટર પાર્કમાં પાણીની અંદર ન્હાયા બાદ આરવ સોમકર જેવો જ સ્વિમિંગ પુલની બહાર નજીક આવ્યો, કે તે એકાએક જ જમીન પર ઢળી પડ્યો હતો અને તદ્દન બેભાન થઈ ગયો હતો.

કિશોરને અચાનક બેભાન અવસ્થામાં જોઈને તેની માતા અને ત્યાં હાજર અન્ય પ્રવાસીઓમાં ભારે નાસભાગ અને ચીસાચીસ મચી ગઈ હતી. રિસોર્ટના સ્ટાફ અને પરિવારજનો દ્વારા તેને તાત્કાલિક પ્રાથમિક સારવાર અર્થે નજીકના પી.એચ.સી. (પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર) ખાતે લઈ જવામાં આવ્યો હતો. જોકે, બાળકની ગંભીર સ્થિતિને જોતા તેને વધુ સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. પરંતુ અરેરાટીની વાત એ છે કે, જી.જી. હોસ્પિટલના ફરજ પરના તબીબોએ તીવ્ર તપાસ બાદ આરવને તબીબી ભાષામાં 'બ્રોટ ડેડ' એટલે કે લાવવામાં આવે તે પૂર્વે જ મૃત જાહેર કર્યો હતો.

આ કરુણ ઘટનાની જાણ થતાં જ હોસ્પિટલ પરિસરમાં સગા-સંબંધીઓના હૃદયદ્રાવક રુદનથી વાતાવરણ અત્યંત ગમગીન બની ગયું હતું. સ્થાનિક સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, મૃતક કિશોર આરવ સોમકરના પિતા હાલ રોજગારી અર્થે વિદેશમાં હોવાનું જાણવા મળ્યું છે. શનિવારના દિવસે પોતાની માતા સાથે ખુશી-ખુશી મનોરંજન માટે ગયેલા એકના એક પુત્રના આવા અકાળે અને અચાનક થયેલા મૃત્યુથી અભાગી માતા અને પરિવાર પર જાણે આભ ફાટી પડ્યું છે.

બીજી તરફ, આ ઘટનાને પગલે સ્થાનિક પોલીસ તંત્ર પણ તાત્કાલિક એક્શનમાં આવ્યું છે. પોલીસે જી.જી. હોસ્પિટલ પહોંચીને કિશોરના મૃતદેહનો કબજો સંભાળીને તેને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વોટર પાર્કમાં વારંવાર બનતી આવી ગંભીર ઘટનાઓને પગલે પ્રશાસન દ્વારા રિસોર્ટમાં લાઈફ ગાર્ડ, મેડિકલ કીટ અને ઈમરજન્સી સુવિધાઓની ઉપલબ્ધતા અંગે કડક તપાસ કરવામાં આવે તેવી લોક માંગ પ્રબળ બની છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande