
બોટાદ, 14 જૂન (હિ.સ.)અવની ચાવડા, જેની ભારતીય અંડર-19 ક્રિકેટ ટીમમાં પસંદગી થઈ છે, તેણે પાળિયાદ સ્થિત શ્રી વિસામણબાપુની જગ્યાની મુલાકાત લીધી હતી. અહીં તેણે રાઘવેન્દ્ર સરકાર અને શ્રી વિહળાનાથના દર્શન કર્યા હતા.જગ્યાના ગાદીપતિ નિર્મળાબાના આશીર્વાદ લીધા બાદ, અવનીએ ભયલુબાપુની શુભેચ્છા મુલાકાત પણ લીધી હતી. આ પ્રસંગે બા અને ભયલુબાપુ દ્વારા અવની ચાવડાને પુષ્પમાળા, રામનામી શાલ અને ઠાકર વિહળાનાથની સ્મૃતિ ભેટ આપી સન્માનિત કરવામાં આવી હતી.અવની ચાવડાએ પોતાની ક્રિકેટ કારકિર્દી વિહળધામ પાળિયાદ સંચાલિત વિહળ સ્ટેડિયમમાં ભયલુબાપુના માર્ગદર્શન હેઠળ અને સમરસ એકેડમીના કોચ કિરણભાઈના નેતૃત્વમાં શરૂ કરી હતી. બોટાદ જેવા નાના જિલ્લામાંથી આવીને તેણે સમગ્ર દેશ માટે રમવાનું સૌભાગ્ય પ્રાપ્ત કર્યું છે. માત્ર 15 વર્ષની ઉંમરે અવનીએ આ સિદ્ધિ મેળવી છે. ભારતીય અંડર-19 ટીમમાં તેની પસંદગીથી સમગ્ર સૌરાષ્ટ્ર અને બોટાદ જિલ્લાનું ગૌરવ વધ્યું છે. તે સૌરાષ્ટ્રની પ્રથમ મહિલા અંડર-19 ક્રિકેટર બની છે.
અવનીની ભારતીય ટીમમાં પસંદગી થતા સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ જયદેવ શાહ, નિરંજન શાહ, કોચ જાની સાહેબ અને શીતલ મેમ દ્વારા તેને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. બોટાદ જિલ્લા ક્રિકેટ એસોસિએશન અને કોચ કિરણભાઈ સોલંકીએ પણ અવનીને શુભેચ્છાઓ આપી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA