


તકલાદી ડાયવર્ઝન અને ભ્રષ્ટાચારના આક્ષેપો વચ્ચે વહેલી તકે ગુણવત્તાસભર કામગીરીની માંગ
છોટાઉદેપુર, 14 જૂન (હિ.સ.) : છેલ્લા ઘણા સમયથી સિહોદ ગામ અને પાવીજેતપુર વચ્ચે ભારજ નદી પર આવેલ બ્રીજ તૂટી પડેલ હોવાથી સ્થાનિક ગ્રામજનો, ખેડૂતો, વિદ્યાર્થીઓ તેમજ રોજગાર અર્થે રોજિંદી અવરજવર કરતા નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. બ્રીજના પુનઃનિર્માણનું કામ અત્યંત મંદગતિએ ચાલી રહ્યું હોવાના આક્ષેપો વચ્ચે આજે જિલ્લા કોંગ્રેસ સમિતિના આગેવાનો દ્વારા સ્થળ મુલાકાત લઈ પરિસ્થિતિનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
કોંગ્રેસના આગેવાનોએ બ્રીજના નિર્માણ કાર્યની પ્રગતિની સમીક્ષા કરી હતી તેમજ હાલ વાહન વ્યવહાર માટે બનાવવામાં આવેલા ડાયવર્ઝનની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. આગેવાનોના જણાવ્યા મુજબ હાલનું ડાયવર્ઝન તકલાદી અને જોખમી સ્થિતિમાં છે, જે પ્રથમ જ વરસાદમાં ધોવાઈ જવાની શક્યતા ધરાવે છે. વધુમાં, વૈકલ્પિક રીતે તૈયાર કરવામાં આવી રહેલો બીજો માર્ગ વનકુટીર થી રંગલી ચોકડી થઈ મોડાસર ચોકડીનો માર્ગ પણ યોગ્ય ગુણવત્તાનો ન હોવાનું અને તેમાં પણ ભ્રષ્ટાચાર થયાના આક્ષેપો કરવામાં આવ્યા હતા.
ચોમાસાની ઋતુ નજીક આવી રહી છે ત્યારે ભારજ નદીમાં પાણીની આવક વધતા હાલના ડાયવર્ઝન ઉપરથી અવરજવર કરવી જોખમી બની શકે છે. તેમજ આ ડાયવર્ઝનનું જ અસ્તિત્વ રહે નહીં.જો સમયસર યોગ્ય અને મજબૂત વ્યવસ્થા નહીં કરવામાં આવે તો હજારો લોકો માટે સંપર્ક વ્યવસ્થા ખોરવાઈ શકે છે. વિદ્યાર્થીઓના અભ્યાસ, ખેડૂતોના ખેતીકાર્ય અને સામાન્ય જનજીવન ઉપર તેની ગંભીર અસર પડી શકે છે.
જિલ્લા કોંગ્રેસ સમિતિએ સરકાર તથા સંબંધિત વિભાગોને બ્રીજનું કામ ઝડપી ગતિએ અને ગુણવત્તાપૂર્વક પૂર્ણ કરવા માંગ કરી હતી. સાથે જ ડાયવર્ઝન માર્ગની તાત્કાલિક મરામત કરી સુરક્ષિત અને મજબૂત વૈકલ્પિક માર્ગ ઉપલબ્ધ કરાવવા અપીલ કરવામાં આવી હતી. કોંગ્રેસના આગેવાનોએ ચેતવણી આપી હતી કે જો જનહિતના આ પ્રશ્નનો તાત્કાલિક ઉકેલ નહીં આવે તો આગામી સમયમાં લોકહિત માટે આંદોલનાત્મક કાર્યક્રમો હાથ ધરવામાં આવશે.
કોંગ્રેસના આગેવાનોએ જણાવ્યું હતું કે લોકોની સુરક્ષા અને સુવિધા સાથે કોઈપણ પ્રકારની બેદરકારી ચલાવી લેવામાં નહીં આવે અને પક્ષ સતત જનતાના પ્રશ્નોને વાચા આપતો રહેશે.
પ્રથમ વરસાદમાં ધોવાઈ જવાની ભીતિ
કોંગ્રેસના આગેવાનોનો આક્ષેપ છે કે હાલનું ડાયવર્ઝન અત્યંત નબળી ગુણવત્તાનું હોવાથી પ્રથમ જ વરસાદમાં ધોવાઈ જવાની શક્યતા છે. જ્યારે વૈકલ્પિક ડાયવર્ઝન માર્ગના નિર્માણમાં પણ ગુણવત્તાના ધોરણો જળવાયા ન હોવાના તથા ભ્રષ્ટાચાર થયાના આક્ષેપો કરવામાં આવ્યા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ