પાર્થિવ દેહનો ગંગાજળ અને તુલસી સમિધાથી થશે દિવ્ય સંસ્કાર
સુરત, 14 જૂન (હિ.સ.)-અખિલ ભારતીય જીણ માતા સેવા સંઘ, સુરત દ્વારા પુરુષોત્તમ માસના પાવન અવસરે મૃત આત્માઓના કલ્યાણ અને મોક્ષાર્થે એક અનોખી અને દિવ્ય પહેલનો પ્રારંભ કરવામાં આવ્યો છે. કાર્યક્રમના સંયોજકો રાજેશ કાબરા અને વિજય અગ્રવાલે જણાવ્યું હતું કે,
ગંગાજળ અને તુલસી સમિધાથી થશે દિવ્ય સંસ્કાર


સુરત, 14 જૂન (હિ.સ.)-અખિલ ભારતીય જીણ માતા સેવા સંઘ, સુરત દ્વારા પુરુષોત્તમ માસના પાવન અવસરે મૃત આત્માઓના કલ્યાણ અને મોક્ષાર્થે એક અનોખી અને દિવ્ય પહેલનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

કાર્યક્રમના સંયોજકો રાજેશ કાબરા અને વિજય અગ્રવાલે જણાવ્યું હતું કે, સુરતના ઉમરા, અશ્વિનીકુમાર, કુરુક્ષેત્ર અને લિંબાયત સહિતના વિવિધ મુક્તિધામોમાં અગ્નિસંસ્કાર માટે આવતી દરેક પાર્થિવ દેહના પરિજનોને જીણ સંઘ દ્વારા હરિદ્વારથી વિશેષ મંગાવવામાં આવેલ ગંગાજળ અને તુલસી સમિધા નિઃશુલ્ક ભેટરૂપે આપવામાં આવશે.

આ અભિયાનની શરૂઆત ઉમરા મુક્તિધામના સંચાલક જયેશભાઈને ૧૦૮ ગંગાજળ પાત્ર અને તુલસી સમિધા અર્પણ કરીને કરવામાં આવી હતી.

સંઘના સ્થાપક શરદ ખંડેલવાલે આ કાર્યક્રમના પૌરાણિક મહત્ત્વ અંગે જણાવ્યું કે રાજા ભગીરથે પોતાના પૂર્વજોના આત્મકલ્યાણ અને મોક્ષ માટે ગંગાજીને પૃથ્વી પર લાવ્યા હતા. ગંગાજીના પવિત્ર જળના સ્પર્શથી તેમના પૂર્વજોનું કલ્યાણ થયું હતું. આ જ પૌરાણિક પ્રસંગને ધ્યાનમાં રાખીને જીણ સંઘ દ્વારા સુરતના તમામ મુક્તિધામોને ગંગાજળ પાત્ર નિઃશુલ્ક અર્પણ કરવામાં આવશે.

સંઘના બદ્રીપ્રસાદ અગ્રાવતે જણાવ્યું કે પદ્મ પુરાણ અનુસાર જો જીવાત્માનો અગ્નિસંસ્કાર તુલસી સમિધા વડે કરવામાં આવે તો તેને પ્રભુચરણોની પ્રાપ્તિ થાય છે. આ ધાર્મિક માન્યતાને ધ્યાનમાં રાખીને દરેક ગંગાજળ પાત્ર સાથે તુલસી સમિધા પણ આપવામાં આવી રહી છે.

ભારતમાં પ્રથમ વખત આ પ્રકારનો અનોખો અને દિવ્ય પ્રયાસ અમલમાં મૂકાઈ રહ્યો હોવાનું માનવામાં આવે છે. આ સેવાયજ્ઞને સફળ બનાવવા માટે વિજય અગ્રવાલ, સૌરભ અગ્રવાલ, રાજેશ કાબરા અને બદ્રી અગ્રાવતનો વિશેષ સહયોગ રહ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande